વડોદરાઃ ગુજરાતમાં તળાવો, ડેમ, કેનાલો અને નદીઓમાં ડૂબી જવાના બનાવો વધી રહ્યા છે. જેમાં વડોદરાના સમા-સાવલી રોડ નજીક પસાર થતી કેનાલમાં ન્હાવા પડેલા બે કિશોરો ડૂબી જતા લાપતા થઇ ગયા હતા. લાપતા થઇ ગયેલા બે કિશોરો પૈકી કિશોરનો મૃતદેહ 10 કિલોમીટર દૂર સેવાસી પાસેથી કેનાલમાં મળી આવ્યો હતો. બંને કિશોરોના કપડાં અને સાઇકલ કેનાલ ઉપરથી મળી આવ્યા બાદ તેઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી હતી. કે, વડાદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા સત્યમનગરમાં રહેતો ઓમ મનોજભાઇ શિંદે (ઉં.વ. 15) અને સત્યનારાયણ સોસાયટીમાં રહેતો મયુર દલવી (ઉં.વ. 13) મોડી સાંજે સાઇકલ લઇને સમા મેકડોનાલ્ડ હોટલ પાસે કેનાલમાં ન્હાવા ગયા હતા. કેનાલ ઉપર સાઇકલ અને કપડાં મૂકી કેનાલમાં ન્હાવા પડેલા આ બંને મિત્રો કેનાલના પાણીમાં તણાઇ જતા લાપતા થયા હતા. ધોરણ-6માં અભ્યાસ કરતો મયુર દલવી અને ઓમ શિંદે મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. આ શોધખોળ દરમિયાન બંનેના કપડાં અને સાઇકલ કેનાલ ઉપરથી મળી આવ્યા હતા. બંને કિશોરો કેનાલમાં ડૂબી ગયા હોવાના અનુમાન સાથે બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. સમા પોલીસ મથકના પી.આઇ. એમ.બી. રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ તુરતજ સ્થળ પર દોડી આવી હતી અને ફાયર બ્રિગેડની મદદ લઇ તપાસ શરૂ કરાવી હતી. જોકે, રાત્રે 3 વાગ્યા સુધી શોધખોળ કરવા છતાં પત્તો મળ્યો ન હતો. આ દરમિયાન બુધવારે વહેલી સવારથી કેનાલના વહેતા પાણીમાં લાપતા થયેલા મયુર દલવી અને ઓમ શિંદેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. કલાકોની શોધખોળ બાદ ફાયર બ્રિગેડના લશ્કરોને સમાથી 10 કિલોમીટર દૂર સેવાસી કેનાલમાંથી મયુર દલવીનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડે કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસના સોંપ્યો હતો અને બીજો લાપતા ઓમ શિંદેની શોધખોળ શરૂ કરી હતી.