રાજકોટઃ ગુજરાતમાં સંભવિત કોરોનાના રોગચાળાને પહોંચી વળવા સામે આરોગ્ય વિભાગ સજ્જ બન્યુ છે. રાજ્યમાં હાલ કોરોનાના 13 જેટલા દર્દીઓ પોઝિટિવ છે. તમામને આઈસોલેટ કરીને સારવાર આપવામાં આવી રહી છે. લોકોને કોરોના સામે સતર્ક રહેવાની આરોગ્ય વિભાગે અપિલ કરી છે. રાજકોટ શહેરમાં હજુ સુધી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી, પરંતુ મ્યુનિ.ના આરોગ્ય વિભાગ સજ્જ બન્યો છે અને મ્યુનિ. સંચાલિત તમામ આરોગ્ય કેન્દ્રોમાં શરદી, ઉધરસ અને તાવના ગંભીર લક્ષણો જણાય એવા દર્દીઓ માટે રેપીડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ બાળકો માટે 100 અને એડલ્ટ માટે 40 સહિત કુલ 140 બેડનાં બે વોર્ડ તૈયાર રાખવામાં આવ્યા છે. તેમજ મેડીસીન, પીડીયાટ્રીક અને ટીબી વિભાગના તબીબોની ટીમો સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સિવિલનું તંત્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાનો નવો વેરિયન્ટ આવતાં કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં નોંધાયેલા કોરોનાના 13 કેસોને પગલે સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. રાજકોટમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. પરંતુ મ્યુનિના આરોગ્ય વિભાગે આગોતરી તૈયારીઓ કરી દીધી છે. દરમિયાન આરએમસીના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, મ્યુનિ.નું તંત્ર નવા વેરિઅન્ટની સામે લડવા સંપૂર્ણપણે સજ્જ છે. આરોગ્ય કેન્દ્રો ખાતે આવતા દર્દીઓમાં શરદી, ઉધરસ અને તાવના ગંભીર લક્ષણો જણાય તો રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હાલ દર્દીઓને જરૂર જણાય તો ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં દરરોજ 20 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવે છે. ખાનગી હોસ્પિટલોમાંથી રેપીડ ટેસ્ટ માટે દર્દીઓને મોકલવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા હજુ સૂચનાઓ આપવામાં આવી નથી. જોકે આમ છતાં સાઉથના રાજ્યોમાં પ્રવાસ કરીને પરત ફરેલા લોકોને કોરોના જેવા લક્ષણો જણાય તો તરત જ આરોગ્ય કેન્દ્રોનો સંપર્ક કરવા જણાવાયું છે. 4થી 5 દિવસ પહેલા ઓક્સિજન પ્લાન્ટ, બેડની વ્યવસ્થા, ઓક્સિજન પાઇપ સહિતની મોકડ્રિલ કરવામાં આવી હતી. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા મ્યુનિ.નું તંત્ર સક્ષમ છે. ત્યારે લોકોએ ગભરાવાની નહીં પણ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.
રાજકોટ સિવિલનાં સુપરિટેન્ડન્ટના કહેવા મુજબ ગુજરાત સરકાર દ્વારા કોરોનાના કેસ વધતા આરોગ્ય અને જિલ્લા વહિવટી તંત્રને હોસ્પિટલમાં દવા, બેડ, ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરી લેવાની સુચના આપવામાં આવી હતી. જેને પગલે રાજકોટની સિવિલ હોસ્પિટલ સહિત જિલ્લાની 81 હોસ્પિટલમાં છેલ્લા એક પખવાડીયામાં બે વખત મોકડ્રીલ કરવામાં આવી ચુકી છે. તેમજ 60 હજાર લીટર ઓક્સિજન, દવાઓ અને ઇન્જેક્શનનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ છે.