અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ગત રાત્રે પૂર ઝડપે આવેલી કાર રોડ સાઈડ પર પાર્ક કરેલા ટ્રકની પાછળ ઘૂંસી જતાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણને ઈજાઓ થઈ હતી. આ અકસ્માતનો બનાવ શહેરના રામોલ પોલીસ ચોકી પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના રામોલ પોલીસ ચોકી પાસે પાર્ક કરાયેલી ટ્રકના પાછળના ભાગમાં કાર બેકાબૂ બનતા ઘૂસી ગઇ હતી. આ કારમાં પાંચ વ્યક્તિઓ સવાર હતા. જેના પગલે પાંચ લોકો ટ્રક નીચે કારમાં ફસાયા હતા. જો કે મોડી રાત્રે બનેલી ઘટના પાંચ ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં બેના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ કારમાં સવાર પાંચ મિત્રો સીટીએમથી ઘર તરફ પરત ફરી રહ્યા હતા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદમાં જામફળવાળી નજીક આ અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્થાનિક સોસાયટીઓમાં રહેતા પાંચ નવયુવાન મિત્રો ટાટા હેરિયર કાર લઈ ફરવા ગયા અને પરત આવી રહ્યા હતા ત્યારે કેનાલ નજીક પાર્ક કરેલા ટ્રકની પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતને લીધે આસપાસની સોસાયટીના નાગરિકો ઇજાગ્રસ્ત લોકોની ચિચયારીઓ અને ધડાકનો અવાજ સાંભળી ઘટના પર દોડી આવ્યા હતા. અને ઈમરજન્સી સેવા 108 અને ફાયરબ્રીગેડને જાણ કરવામાં આવી હતી. કારમાં ફસાયેલા પાંચેય વ્યક્તિઓનું ફાયરબ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તમામને ગંભીર હાલતમાં બહાર કાઢી સારવાર માટે એલજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. જેમાં બેના મોત નિપજ્યા હતા. આ મામલે ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.