અમદાવાદઃ શહેરના સુભાષબ્રિજ આરટીઓએ શહેરના 10 જેટલા વાહન ડીલરોના ટીસી નંબર બ્લોક કરી દીધા છે. એટલું જ નહીં આ વાહન ડીલરોને નોટિસ પણ આપી છે. ટીસી નંબર બ્લોક કરી દેવાયા હોવાથી વાહન ડીલરો વાહન વેચી શક્તા નથી.
શહેરમાં ટૂ-વ્હીલરોના કેટલાક ડિલરો ટેમ્પરરી રજિસ્ટ્રેશન નંબર મેળવ્યા વિના વાહનોનું વેચાણ કરતા હોવાની ફરિયાદો ઊઠી હતી. આરટીઓના અધિકારીઓએ આ સંદર્ભમાં તપાસ પણ કરી હતી. ટુ-વ્હિલરના વાહન ડીલરોના ટીસી બ્લોક કરવા પાછળનું કારણ ડીલરો ટેમ્પરરી નંબર વગર વાહનો વેચતા હતાં. આ બાબત આરટીઓના ધ્યાનમાં આવતા તપાસ કરાવી હતી. ત્યારબાદ ટીસી નંબર બ્લોક કરી દેવાયા છે. વાહન ડીલરોના ટીસી બ્લોક કર્યાની વિગત ગાંધીનગર વાહનવ્યવહાર કમિશનર કચેરીને મોકલી આપી છે. સુભાષબ્રિજ આરટીઓ આર.એસ.દેસાઇના આવ્યા બાદ પ્રથમવાર આટલી સંખ્યામાં ટીસી નંબર બ્લોક કરાયા છે.
સૂત્રોના જણાવ્યાં અનુસાર ટીસી નંબર બ્લોક કર્યાની વિગત પ્રાથમિક તબક્કે જાહેર કરાઇ ન હતી પછી વાહન ડીલરો તરફથી વિરોધના સૂર થતાં બ્લોક કરેલા ટીસી નંબરની ફાઇલ ગાંધીનગર મોકલી આપી હતી. હવે નોટીસનો જવાબ મેળવીને નિયમ મુજબ કાર્યવાહી થશે. અમદાવાદમાં કેટલાક ટૂ-વ્હીલર ડિલર્સની સ્થિતિ એવી કફોડી બની છે, કે ટીસી નંબર ન હોવાથી નવા વાહનો વેચી શક્તા નથી. ડિલર્સે હવે આવી ભૂલો નહીં થાય એવી આજીજી આરટીઓ સમક્ષ કરી હોવાનું કહેવાય છે.