બનાસ નદીમાંથી રેતી ભરીને આવરણ ઢાંક્યા વિના દોડતા ડમ્પરોથી દ્વીચક્રી વાહનચાલકો પરેશાન
પાલનપુરઃ બનાસકાંઠામાં ખનીજચોરી બેરોકટોક થઈ રહી છે. બનાસ નદીમાંથી રેતી ભરીને ઓવરલોડ ડમ્પરો બેફામ ગતિએ દોડી રહ્યા છે. ડમ્પરો આવરણ ઢાંક્યા વિના દોડતા હોવાને લીધે રેતી ઉડતી હોવાથી દ્વીચક્રી વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેથી આરટીઓ દ્વારા આવા ડમ્પરચાલકો સામે કડક પગલાં લેવા માગ ઊઠી છે.
કંબોઇથી પાટણ તરફ દોડતા ઓવરલોડ ડમ્પરોમાં આવરણ નહીં ઢાંકવાથી ઉડતી રેતીના કારણે લોકોના આરોગ્યને ખતરો અને નાના વાહન ચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. રાત્રીના સમયે કંબોઇ-પાટણ રોડ પર ઉડતી રેતીથી બાઈક ચાલકો અને નાના વાહનોને લાઈટોમાં કઈ દેખાતું ન હોવાથી પણ અકસ્માતો થઇ રહ્યા છે. કાંકરેજ તાલુકામાંથી પસાર થતી બનાસ નદીમાં સરકાર દ્વારા વર્ષોથી લીઝો ફાળવી છે અને આ લીઝ હોલ્ડરો દ્વારા રેતી ખનન કરાઈ રહ્યું છે. પરંતુ અત્યારે કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં કંબોઇ, ઉંબરી, રાનેર, દુદાસણ, કસલપુરા, જામપુર જેવા વિસ્તારોમાં બનાસ નદી પટ વિસ્તારમાં જે લોકોને લીઝો ફાળવી હતી તે લીઝોમાં રેતી ખનન થઇ ગઇ છે. અને આ લીઝોમાં રેતી પણ નથી. ત્યારે આ લીઝ ધારકો અને બીજા અન્ય લોકો જે સરકારી પડતરો કે જે સરકાર હસ્તકના વિસ્તાર છે. જેમાં રેતી છે તેવા વિસ્તારોમાં પોતાના હિટાચી મશીન ચલાવી રેતીની ચોરી કરી રહ્યા છે. આ રેતી મોટા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટરો દ્વારા ઓવરલોડ ડમ્પરો ભરીને જે કંબોઇથી પાટણ વચ્ચે બનાવેલા રેતીના પ્લાન્ટમાં ઠાલવી રહ્યા છે. વધુ રેતી પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાઓમાં લઇ જાય છે અને ત્યાં ખૂબજ ઊંચા ભાવથી વેચાણ કરી રહ્યા છે. પરંતુ આ ડમ્પરો બનાસ નદીમાંથી ઓવરલોડ રેતી ભરીને પાટણ હાઇવે પર નીકળે છે પણ રેતી પર કોઈજાતનું આવરણ ઢાંકવામાં આવતું નથી. જેના કારણે ફૂલ સ્પીડમાં દોડતા ડમ્પરમાંથી ઉડતી રેતીથી રોડ પર ચાલતા લોકો અને પાછળ જતા નાના વાહનો કે બાઈક, કાર, ટ્રેક્ટર જેવા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડે છે.