Site icon Revoi.in

ગાંધીનગર આરટીઓમાં ટુ-વ્હીલર ટેસ્ટ ટ્રેક 8 દિવસથી બંધ, અરજદારો પરેશાન

Social Share

ગાંધીનગરઃ રાજ્યની તમામ આરટીઓ કચેરીઓમાં સર્વરમાં અવાર-નવાર સર્જાતી ખામીને કારણે અરજદારોને પરેશાનીનો ભાગ બનવું પડતું હોય છે. ત્યારે ગાંધીનગરની આરટીઓ કચેરીમાં તાજેતરમાં પડેલા વરસાદને કારણે ટૂ વ્હીલરના ટેસ્ટ ટ્રેકમાં પાણી ભરાતા સેન્સર કામ કરતા બંધ થઈ ગયા હતા. જેના કારણે છેલ્લા 8 દિવસથી ટુ-વ્હીલર ટેસ્ટ ટ્રેક બંધ છે. જેના લીધે અરજદારો પરેશાની ભાગવી રહ્યા છે.

ગાંધીનગર આરટીઓમાં છેલ્લા એક સપ્તાહથી ટુ વ્હીલર ટેસ્ટ ટ્રેક બંધ થઈ જતાં અરજદારો ટુ વ્હીલર ટેસ્ટ માટે રાહ જાઈ રહ્યા છે. ટેસ્ટ ટ્રેકના અંડરગ્રાઉન્ડ વાયરિંગમાં પાણી ભરાઈ જતાં સેન્સર ખોટવાઈ જતાં ટુ વ્હીલરનો ટેસ્ટ લેવાનું બંધ કરી દેવાની નોબત આવી છે. જો કે છેલ્લા બે દિવસથી ટેસ્ટ ટ્રેકની મરામતનું કામ કરવામાં આવી રહ્યું છે. અને કાલે સોમવારથી રાબેતા મુજબ ટુ વ્હીલર ટેસ્ટ લેવાનું શરૂ કરી દેવામાં આવશે.

ગાંધીનગર આરટીઓ કચેરીના સૂત્રોના કહેવા મુજબ  છેલ્લા એક સપ્તાહથી ટુ વ્હીલર ટેસ્ટ ટ્રેક બંધ થઈ જતાં 400 જેટલા અરજદારો વેઈટિંગમાં છે. અંડરગ્રાઉન્ડ વાયરિંગમાં પાણી ભરાઈ જતાં સેન્સર ખોટવાઈ જવાથી છેલ્લા એક અઠવાડિયાથી ટેસ્ટ ટ્રેક બંધ થઈ ગયો છે. થોડો ઉઘાડ નિકળતા રીપેરીંગની કામગીરી કરવાનું આયોજન હતું. પરંતુ ફરીવાર વરસાદ પડતા રીપેરીંગની કામગીરીમાં બ્રેક લાગી ગઈ હતી. જેનાં પગલે છેલ્લા એક અઠવાડિયાથી ટુ વ્હીલરના ટેસ્ટ લઈ શકાયા નથી.

ગાંધીનગર આરટીઓમાં દૈનિક 70 જેટલા લોકો ટુ વ્હીલરનો ટેસ્ટ આપે છે. જેને પગલે અંદાજે 400થી વધુ અરજદારો ટેસ્ટ ટ્રેક શરૂ થાય તેની રાહ જોઈ બેઠા છે. જોકે આરટીઓ તંત્ર દ્વારા અરજદારોની એપોઈન્ટમેન્ટ રિસિડ્યુઅલ કરી દેવાઈ છે. જેને પગલે અરજદારોને ફરીથી અરજીની પ્રક્રિયા કરવી નહીં પડે.

ઉલ્લેખનિય છે કે ગાંધીનગર આરટીઓની ટેસ્ટ ટ્રેક સિસ્ટમ વર્ષો જૂની છે. છાશવારે ખોટકાય જતી ટ્રેક સિસ્ટમમાં એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ છે. રાજ્યમાં સૌ પ્રથમવાર ગાંધીનગર આરટીઓમાં AI વિડિયો એનાલિસિસ બેઝ ટ્રેક સિસ્ટમ બનાવવાની વાતો છેલ્લા ઘણા સમયથી ચાલે છે. ત્યારે મોડેલ ટ્રેક સિસ્ટમ બનતા બનશે હાલ તો આરટીઓની ટ્રેક સિસ્ટમ બંધ થઈ જતાં અરજદારો મુશ્કેલી વેઠી રહ્યા છે.