Site icon Revoi.in

વડોદરામાં સેવાતીર્થ આશ્રમની છત તૂટી પડવાના બનાવમાં બે મહિલાના મોત, એક ગંભીર

Social Share

વડોદરા:  શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા સેવા તીર્થ આશ્રમની છત ધરાશાયી થતા ત્રણ મહિલાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જો કે, ત્રણ પૈકી એક મહિલાને સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. તો હજુ પણ એક ઇજાગ્રસ્ત મહિલાની હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પોલીસ સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરા શહેર નજીક તરસાલી વિસ્તારમાં સેવાતીર્થ આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં ગૌશાળા ઉપરાંત માનસિક અસ્વસ્થ લોકોની સેવા કરવાની સાથે માનવ સેવાનું કામ કરવામાં આવે છે. આ આશ્રમની છત ધડાકા સાથે તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે છત ધરાશાયી થતાં ત્રણ મહિલાઓ દટાઈ હોવાની જાણકારી મળતા સ્થળ પર દોડી આવેલા લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

છત ધરાશાયી થવાની ઘટનામાં જયશ્રીબેન ઠક્કર, ભદ્રાબેન જોશી તેમજ ઈલાબેન ઠક્કર છતના કાટમાળમાં દટાઈ જતા આ ત્રણેય મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે, સ્થળ પર એકત્રિત થયેલા લોકો દ્વારા ત્રણેય ઇજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે તાત્કાલીક સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પરંતુ ગંભીર ઇજાગ્રસ્ત ભદ્રાબેનનું સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. જ્યારે બે દિવસ બાદ આજે વધુ એક મહિલા ઇલાબેન ઠક્કરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગે મકરપુરા પોલીસ સ્ટાફના જવાનોએ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે સેવાતીર્થ આશ્રમના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, આ ઘટના વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ બની હતી. જર્જરીત છતનું સમારકામ આગામી ટૂંક સમયમાં શરૂ કરવાનું હતું. પરંતુ સમારકામ કરવામાં આવે તે પહેલા જ છત ધરાશાયી થઈ હતી.