વડોદરાઃ શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા 5 મિત્રો કોટના બીચ સ્થિત મહીસાગર નદીમાં નાહવા ગયા હતા. જ્યાં પાંચેય મિત્રો બપોરના ટાણે નદીમાં નાહવા પડ્યા હતા. જે પૈકી બે યુવાનોના ડૂબી જતાં મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ થતાં નંદેસરી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા 5 મિત્રો કોટના બીચ પર ફરવા માટે ગયા હતા. જ્યાં પાંચેય મિત્રો બપોરે મહીસાગર નદીમાં નાહવા પડ્યા હતા. જે પૈકી 2 મિત્રો જેનુલ ઇબ્રાહિમ પટેલ (ઉ. 20) અને શોહેબ ઇરફાન પઠાણ (ઉ. 19) મહીસાગર નદીના ઊંડા પાણીમાં અચાનક જ ડૂબવા લાગ્યા હતા. જેથી તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી સ્થાનિક તરવૈયાઓ પહોંચી ગયા હતા અને તેઓને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ સ્થાનિક તરવૈયાઓએ બંને યુવકોના મૃતદેહ મહીસાગર નદીમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતાં નંદેસરી પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. બંને યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ઉનાળાની ગરમીને લીધે કોટના બીચ પર ઘણાબધા લોકો ઉપવા માટે આવતા હોય છે. આ ઘટના બની ત્યારે પણ ઘણા બધા લોકો કોટના બીચ પર હાજર હતા. નદીમાં ડુબી જવાની ઘટના બાદ કોટના બીચ પરથી પોલીસે લોકોને હટાવી દીધા હતા. અને બોટિંગ પણ બંધ કરાવી દીધું હતું. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવતા તેમના પરિવારજનો પણ પહોંચી ગયા હતા અને સ્થાનિક લોકોના ટોળા પણ એકત્ર થયા હતા.
સ્થાનિક લોકોના કહેવા મુજબ કાટના બીચ તરીકે ઓળખાતા આ સ્થળે રેતી ખનન થાય છે. જેથી ઊંડા ખાડામાં બંને મિત્રો ડૂબી ગયા છે. દર મહિને આ પ્રકારની ઘટનાઓ ત્યાં બનતી જ હોય છે. જેથી કોટના બીચ સહિત નદી પરના સ્થળો પર નાહવા પર પ્રતિબંધ મુકવો જોઈએ. આ જગ્યાને ફેન્સિંગ કરીને સીલ કરી દેવું જોઇએ.