પ્રાંતિજઃ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગલતેશ્વર ખાતે આવેલા સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરવા માટે ગયેલા બે યુવાનો નદીમાં ઊંડા પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યા હતા. બનાવ અંગે પ્રાંતિજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી જાણવા મળી છે કે, પ્રાંતિજના ગલતેશ્વર ગામ પાસે આવેલી સાબરમતી નદીમાં તાજપુર ગામમાંથી ગણેશ વિસર્જન કરવા માટે ગયેલા બે યુવાનોનો ગણેશ વિસર્જન દરમિયાન સાબરમતી નદીમાં ડૂબ્યા હતા. જેમાં તાજપુર ખાતે રહેતા જગદીશભાઇ મેલાભાઇ રાવળ (ઉવ.આશરે-35)તથા તાજપુર મામાના ધરે આવેલો ભાણો અને મુળ ગાંધીનગરના પીપરોજ ગામનો યુવાન રાજેશભાઇ લાલજીભાઈ મકવાણા (ઉવ.આશરે-22) બંને જણા ગણેશ વિસર્જન દરમિયાન ઊડાં પાણીમાં ડૂબવા લાગતા નદીકાંઠે ઊભેલા લોકોએ બુમાબુમ કરતા ગલતેશ્વર ગામના લોકો સહિત આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા.
આ અંગેની જાણ પ્રાંતિજ પોલીસને અને ફાયર બ્રિગેડને કરાતા પોલીસનો કાફલો અને ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તરવૈયાની મદદથી નદીમાં શોધખોળ હાથ ધરી હતી. બે કલાકની જહેમત બાદ નદીમાંથી બંને યુવાનના મૃતદેહ બહાર કાઢવામા આવ્યા હતા. બંને યુવાનોના મોતને લઈને તાજપુર તથા પીપરોજમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતુ. મૃતક રાવળ જગદીશભાઇ મેલાભાઇને બે દીકરીઓ તથા બે દીકરાઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. બનાવ અંગે પ્રાંતિજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઇડરના સપ્તેશ્વર પાસેની સાબરમતી નદીમાં ચાર દિવસ પહેલા ગણેશ વિસર્જન સમયે વિજાપુરના ભાટવાડા ગામના અનિલભાઈ પંચાલનો મૃતદેહ નદીમાં તરતો જોવા મળ્યો હતો. જેને બહાર કાઢ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.