અમદાવાદઃ કડીના બોરીસણા ગામની સીમમાં પસાર થતી નર્મદા કેનાલ પર ફરવા માટે આવેલા અમદાવાદના બે યુવાનો કેનાલના કાંઠે ઊભા રહીને સેલ્ફી લેતા હતા, ત્યારે એક યુવાનનો પગ લપસતા તે કેનાલમાં ખાબક્યો હતો. દરમિયાન તેને બચાવવા જતાં બીજો યુવાન પર કેનાલમાં પડ્યો હતો. બન્ને યુવાનો કેનાલના ધસમસતા પાણીમાં તણાયા હતા. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો અને તરવૈયાઓએ બચાવની કામગીરીની શરૂ કરી છે. મોડી સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો નહતો.
આ બનાવની વિગતો એવી છે. કે, અમદાવાદથી એક પરિવાર કાર લઈને કડી મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યાથી દર્શન કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે કડી તાલુકાના બોરીસણા ગામની સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ પર સેલ્ફી લેવા બે યુવાનો ગયા હતા. જેમાં એક યુવાનનો પગ લપસતા કેનાલમાં ખાબક્યો હતો. તેથી તેને બચાવવા જતાં બીજો યુવાન પણ કેનાલમાં પડતા તે પણ પાણીમાં ગરગાવ થઈ ગયો હતો. ઘટનાને લઇ ફાયર ફાઈટરના કર્મચારીઓ તેમજ સ્થાનિક તરવૈયાઓ દોડી આવ્યા હતા, તેમજ પોલીસ પણ આવી પહોંચી હતી અને લાશની શોધખોળ હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના ચેનપુર ખાતે રહેતા કૌશિકભાઈ રાવત પરિવાર સાથે કડીના મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા પરિવાર સાથે ઇકો ગાડી લઈને આવ્યા હતા. દર્શન કરી કૌશિકભાઇ તેમજ તેમના પત્ની હીનાબેન તથા તેમના બે બાળકો તેમજ તેમના મિત્રો સાથે તેઓ દર્શન કરીને પોતાના ઘરે અમદાવાદ ખાતે જઈ રહ્યા હતા. ત્યારે કડીના થોળ રોડ ઉપર આવેલી બોરીસણા ગામની સીમમાં પસાર થતી નર્મદા કેનાલ પર આવેલા પાવર સ્ટેશન ખાતે ગાડી લઈને ઉભા રહ્યા હતા. કૌશિકભાઈ કેનાલમાં ઉતરી સેલ્ફી ફોટો પાડી રહ્યા હતા ત્યારે, તેમનો પગ લપસતા તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.જ્યાં તેમનો મિત્ર ધવલ કૌશિકભાઇને બચાવવા જતાં તે પણ પાણીમાં ગરગાવ થઈ ગયો હતો. જે બાદ તેમના પત્ની અને તેમના મિત્રોને જાણ થતાં તેઓએ નર્મદા કેનાલના કિનારે પહોંચ્યા હતા પરંતુ બંનેની ભાળ ન મળતા તેઓએ પરિવારજનોને તેમજ કડી પોલીસને જાણ કરી હતી. તરવૈયાઓએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી સાંજ સુધી બંન્નેનો કોઈ જ પત્તો લાગ્યો ન હતો.