અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન અમદાવાદ-ખેડા હાઈવે ઉપર માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. મોટરકાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં 2 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. જ્યારે 3 યુવાનોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-ખેડા હાઈવે પર પૂરઝડપે પસાર થતી મોટરકારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. જેથી કારમાં સવાર મુસાફરોની ચીસોથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું. આ બનાવની જાણ થતા સ્થાનિકો અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. આ દૂર્ઘટનામાં બે વ્યક્તિઓના મોત થયા હતા.
પોલીસે બચાવ કામગીરી આરંભીને અકસ્માતમાં ઘવાયેલા 3 યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. જ્યારે બંને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપીને તેમની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી હતી.