ધારીઃ અમરેલીના ખાંભા-તુલસીશ્યામ રોડ પર કારમાં જઈ રહેલા અમદાવાદના બે યુવાનોએ રોડ પર સિંહને બેઠેલો જોતા હોર્ન મારીને સિંહની પજવણી કર્યા બાદ કારમાંથી ઉતરીને સિંહ સાથે સેલ્ફી લઈને તેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેની વન વિભાગને જાણ થતાં બન્ને યુવાનોની ધરપકડ કરી તેમની સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ નંબર 9 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીના ધારી તેમજ ખાંભા-તુલસીશ્યામના રેવન્યુ તથા વન વિસ્તારમાં લોકોને અવાર-નવાર સિંહ જોવા મળતા હોય છે. ધારીથી તુલસીશ્યામ જતાં રોડ પર પણ ઘણીવાર સિંહ બેઠેલા જોવા મળતા હોય છે. ત્યારે અમદાવાદના બે યુવાનો કાર લઈને આ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રોડ પર બેઠેલો સિંહ જોવા મળતા હોર્ન વગાડી, સિંહ સાથે સેલ્ફી પણ લઈને તેનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વાયરલ થયેલા વિડિયોમાં એક કારમાં શખસ ગાડીની લાઈટ ચાલુ કરે છે અને સામે રસ્તામાં સિંહ જોવા મળે છે, તો એની સામે લાઈટનો પ્રકાશ કરે છે, અન્ય એક શખસ ગાડીમાંથી નીચે ઊતરી સિંહની નજીક જાય છે અને સિનસપાટા મારે છે. સિંહ રસ્તા વચ્ચે આરામથી બેઠો હોય છે, ત્યારે આ બન્ને શખસ સિંહની પજવણી કરવા લાગે છે તેમજ એની સાથે સેલ્ફી પણ લે છે. ઘટનાની ગંભીરતા સમજી ડી.સી.એફ. રાજદીપ સિંહ ઝાલા દ્વારા વન વિભાગને સૂચના આપી હતી. આર.એફ.ઓ.જ્યોતિ વાજા, આ.એફ.ઓ.રાજલ પાઠક સહિત વન વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં અમદાવાદના બે યુવાનોની ધરપકડ કરી હતી.
વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવતી ખાંભા તુલસીશ્યામ રેન્જમાં હનુમાનપુરથી દલડી રોડ રેવન્યુ વિસ્તારમાં સિંહ જોવાના ઈરાદે ફોર-વિલમાં અમદાવાદના રોહિત હીરલાલ રાજપૂત અને તેજસ રાજેન્દ્ર સિંહ પરમાર આવી પહોંચ્યા હતા. આ દરમિયાન રસ્તા વચ્ચે સિંહને બેઠેલો જોઈ ગાડીની હેડ લાઈટનો પ્રકાશ કરી હોર્ન વગાડી એની નજીક ગાડી લઈ ગયા હતા. સિંહ કુદરતી કાર્ય કરી રહ્યો હતો, ત્યારે એ કાર્યમાં ખલેલ પહોંચાડી એની પજવણી કરી હતી. આ બન્ને શખસોએ ત્યારે વીડિયો પણ બનાવી લીધો હતો. એ વીડિયોને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. કેટલા લોકો અહીં આવ્યાં હતા? અન્ય વીડિયો છે કે કેમ? એ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.