વડનગર પાસે પૂરઝડપે આવેલી મારૂતીવાને બાઇકને ટક્કર મારતા 2 યુવાનોના મોત
વિસનગરઃ મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વડનગર પાસે આવેલા શેખપુર નજીક રાત્રે એક વાનચાલકે બે બાઈક સવારને ટક્કર મારતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મારુતીવાનનો ચાલક કાર ઘટના સ્થળે મૂકી ફરાર થયો હતો. સમગ્ર મામલે હાલમાં પરિવાર શોકમય બન્યો છે, તેમજ ફરાર કાર ચાલક સામે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકાના શેખપુર ગામના ઠાકોર સંજયજી માનસંઘજી અને સિપોર ગામના ઠાકોર કલ્પેશજી જહાજી બંને મિત્રો ખેરાલુ પાસે આવેલી જીઆઇડીસીમાં સાથે નોકરી કરે છે. જેથી બંને એક બાઈક પર સવાર થઈને ખેરાલુ નોકરી કરવા જવા નીકળ્યા હતા. જ્યાં પૂરઝડપે પસાર થતી મારૂતિ વાનના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને યુવાન રોડ પર પટકાતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માત સર્જી મારૂતી વાનનો ચાલક કાર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં મોતને ભેટનાર ઠાકોર સંજયના ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા અને ઠાકોર કલ્પેશજીના પણ ત્રણ વર્ષના લગ્નજીવન દરમિયાન એક – દોઢ વર્ષની બાળકી પણ છે. આ અકસ્માતમાં એક નાની બાળકીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી તેમજ બંને યુવાનના પરિવાર શોકમય બન્યા હતાં.
મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વિસનગર-વડનગર અને ખેરાળુ રોડ પર વાહનો બેફામ ગતીએ દોડી રહ્યા છે. ત્યારે જે રસ્તાઓ પર વધુ અકસ્માત થતા હોય તે રસ્તાઓ પર ગતિનિયંત્રણો મુકવા જોઈએ તેવી માગ ઊઠી છે.