વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાના રસેલપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં નહાવા માટે ગયેલા બે યુવાનો તણાઈ જતાં લાપત્તા થઈ ગયા હતા. મહી નદીના ધસમસતા પાણીમાં લાપત્તા થયેલા બંને યુવાનોને શોધવા NDRFની ટીમ કામે લાગી છે. 20 કલાકથી પણ વધુ સમય તવા છતાં પણ હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. બંને યુવાનો પરિવારના એકના એક છે અને બે યુવાનો પૈકી એકના એક માસ પહેલાં જ લગ્ન થયા છે.
આ બનાવની જાણવા મળેલી વિગતો મુજબ વડોદરા શહેરના ખોડીયાર નગર નજીક રાજીવ નગર વિસ્તારમાં રહેતા ધર્મેશ અને તેનો મિત્ર દીપક બાઈક લઈ મહી નદીમાં નહાવા માટે ગયા હતા. જે દરમિયાન ધર્મેશ અને દીપકના એક મિત્રએ ક્રિકેટ રમવા માટે ફોન કરતા આ ફોન સાવલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી પાસે હતો. તેણે બંને યુવકના કપડા નદી પાસે મળ્યા હોવાની જાણ કરતા યુવકના પરિવારજનો રસેલપુર પહોંચ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના ધર્મેશ રણછોડભાઇ વાઘેલા (ઉં.વ.26) અને સંતોષીનગરમાં જ રહેતો દીપક અવધેશભાઇ કુશ્વાહા (ઉં.વ.27) ગુરુવારે સવારે 11 વાગ્યાના સુમારે ઘરેથી બાઇક પર સાવલી તાલુકાના રસેલપુર ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીએ નાહવા માટે ગયા હતા. ઘરેથી બાઇક ઉપર નીકળેલા ધર્મેશ વાઘેલા અને દીપક કુશ્વાહાએ મહી નદી પહોંચવા માટે આવતા કાચા રસ્તા પર ચાલુ બાઇકે વીડિયો ઉતાર્યો હતો, જે તેના મોબાઈલ ફોનમાં જોવા મળ્યો છે. જેમાં દીપક કુશ્વાહા બોલી રહ્યો છે કે “રસ્તા દેખ કે મેરા ગાંવ યાદ આ રહા હૈ..મેરા ગાંવ મેરા દેશ”. મહી નદીએ પહોંચ્યા બાદ બંનેએ નદી કિનારે પોતાના મોબાઇલ ફોન અને કપડાં કિનારે મૂકીને નાહવા માટે ઊતર્યા હતા. આ દરમિયાન બંને મિત્ર ધસમસતા પાણીમાં તણાઈ જતાં લાપત્તા થયા હતા.
મહી નદીમાં લાપત્તા થયેલા બે મિત્ર પૈકી ધર્મેશ વાઘેલાના પિતા રણછોડભાઇએ જણાવ્યું હતું કે બંને મિત્રના સંયુક્ત મિત્રએ તેમને ફોન કર્યો હતો. એ સમયે સાવલી પોલીસે ફોન રિસીવ કર્યો હતો. સાવલી પોલીસે ફોન કરનારને જણાવ્યું હતું કે મહી નદીમાં બે મિત્રો લાપત્તા થયા છે. તેમનાં કપડાં અને ફોન અમારી પાસે છે. તેમનાં પરિવારજનોને મેસેજ આપો અને નદી ઉપર મોકલો. ફોન કરનારા મિત્રએ તરત જ ધર્મેશ અને દીપકનાં પરિવારજનોને જાણ કરતાં તેઓ રસેલપુર ગામે મહી નદી કિનારે પહોંચ્યા હતા.