પટના: રાજકારણ સંભાવનાઓનો ખેલ છે. પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક પરથી ભાજપને ટિકિટ પાછી આપનારા ભોજપુરી એક્ટર અને સિંગર પવનસિંહ ફરી એકવાર ચર્ચામાં છે. પવનસિંહ આ વખતે પોતાના યૂટર્નને લઈને ચર્ચામાં છે. તેમણે આસનસોલ બેઠક પરથી અંગત કારણોને ટાંકીને ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો. પરતું હવે તેઓ કહી રહ્યા છે કે તેઓ લોકસભાની ચૂંટણી લડશે.
પવનસિંહે ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા પોતે ચૂંટણી લડવાના હોવાની જાણકારી આપી છે. તેમણે લખ્યુ છે કે હું પોતાના સમાજ જનતા જનાર્દન અને માતાને કરવામાં વેલા વાયદાને પૂર્ણ કરવા માટે ચૂંટણી લડીશ. તમારા સૌના આશિર્વાદ અપેક્ષિત છે. જય માતાજી. પવનસિંહે પોતાની પોસ્ટમાં આનાથી વધારે કંઈ લખ્યું નથી. પરંતુ ચર્ચા છે કે તેઓ લાલુપ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતાદળની ટિકિટ પર બિહારની આરા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે.
મહત્વપૂર્ણ છે કે ભાજપના ઉમેદવારોની પહેલી યાદીમાં પવનસિંહને પશ્ચિમ બંગાળની આસનસોલ બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર શત્રુઘ્નસિંહાની સામે ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. પરંતુ પવનસિંહે પોતે ચૂંટણી નહીં લડવાના હોવાની જાણકારી આપી હતી અને તેમણે ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાને આની જાણકારી પણ આપી હતી.