Site icon Revoi.in

UAEની ખાનગી કંપનીઓ હવે સ્થાનિકોને વધારે રોજગારી આપશે, ભારતીયોને થશે અસર

Social Share

નવી દિલ્હીઃ સંયુક્ત આરબ અમીરાતમાં રહેતા ખાનગી કંપનીઓમાં કામ કરતા ભારતીયો માટે ખરાબ સમાચાર છે. UAEની ખાનગી કંપનીઓને ઓછા સંખ્યામાં વિદેશીઓને રોજગાર આપવા અને UAEના લોકોને વધુ નોકરી આપવાનો આદેશ આપ્યો છે. UAEમાં સૌથી વધુ વિદેશીઓ છે, તેથી UAE સરકારના આ નિર્ણયથી ભારતીયોને સૌથી વધુ અસર થવાની શકયતા છે. સરકારના આદેશનું પાલન નહીં કરનારી ખાનગી કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

UAEના માનવ સંસાધન અને અમીરાતીકરણ મંત્રાલય (MoHRE)એ ખાનગી કંપનીઓને ઓછા સંખ્યામાં વિદેશીઓને રોજગાર આપવા અને દેશના લોકોને વધુ નોકરી આપવાનો આદેશ આપ્યો છે. વર્ષ 2022માં ખાનગી ક્ષેત્રની કંપનીઓ માટે અમીરાતીકરણ (યુએઈના લોકોને રોજગારી આપવી)નો લક્ષ્યાંક 2 ટકા હતો. જે કંપનીઓ આ લક્ષ્‍યાંક હાંસલ કરી શકી ન હતી. MoHREએ તેમને આર્થિક મદદ પણ કરી હતી જેથી તેઓ તેમના લક્ષ્યને હાંસલ કરી શકે. સરકાર 2026ના અંત સુધીમાં નોકરીઓનું 10 ટકા અમીરાતીકરણ હાંસલ કરવાનું લક્ષ્ય રાખે છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે સરકારે કંપનીઓને 2023 સુધીમાં 4 ટકાનો લક્ષ્યાંક હાંસલ કરવા જણાવ્યું છે.

દેશના લોકોને ફાયદો થાય તે માટે UAE કેબિનેટે અમીરાતીકરણના દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે આનાથી દેશના લોકોને વધુ નોકરીની તકો મળશે જે દેશને આગળ લઈ જવામાં મદદ કરશે. પરંતુ તેનાથી યુએઈની પ્રાઈવેટ કંપનીઓની સાથે સાથે વિદેશીઓને પણ નુકસાન થશે. સ્થળાંતર કરનારાઓને રોજગારીની ઓછી તકો મળશે. તે જ સમયે, કંપનીઓ પાસે વિકલ્પો ખૂબ ઓછા હશે. તેમને યુએઈના લોકોને નોકરી આપવાની ફરજ પડશે જેના કારણે તેઓ પ્રમાણમાં વધુ લાયકાત ધરાવતા વિદેશીઓને નોકરી પર રાખી શકશે નહીં. તેઓએ કેટલાક એવા લોકોને પણ નોકરી આપવી પડશે જેઓ લાયકાત ધરાવતા નથી.

અમીરાતીકરણના નિયમ હેઠળ, યુએઈમાં ખાનગી કંપનીઓએ કર્મચારીઓની સંખ્યાના આધારે ચોક્કસ લક્ષ્યાંકો પૂરા કરવા જરૂરી છે. જો ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા 50 કરતા ઓછી અથવા તેના જેટલી હોય તો કંપનીમાં ઓછામાં ઓછો એક એમિરાટી કર્મચારી હોવો આવશ્યક છે. 50થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓમાં ઓછામાં ઓછા બે ટકા એમિરાટી કર્મચારીઓ હોવા આવશ્યક છે. UAE આગામી કેટલાક વર્ષોમાં આ ટકાવારી વધારીને 10 કરી રહ્યું છે. જેમ જેમ કંપનીઓમાં યુએઈના લોકોની ટકાવારી વધશે તેમ તેમ વિદેશીઓને ઓછી નોકરીઓ મળશે.

જે કંપનીઓ આ નિયમનું પાલન નહીં કરે તેમને દંડ પણ ભરવો પડશે. તેઓએ UAE કર્મચારી દીઠ ઓછામાં ઓછો AED 6,000/મહિનો દંડ ચૂકવવો પડશે. UAEના અધિકારીઓ 10 ટકાના લક્ષ્યને હાંસલ કરવા માટે પૂરા પ્રયાસો કરી રહ્યા છે. આ ક્રમમાં જે કંપનીઓ સતત બે વર્ષ સુધી ટાર્ગેટનું પાલન નહીં કરે તેમને ડિમોટ કરવામાં આવશે. UAEમાં ભારતીય દૂતાવાસ (ભારતીય દૂતાવાસ અબુ ધાબી)ની વેબસાઈટ અનુસાર, UAEમાં સૌથી વધુ વિદેશીઓ ભારતીયો છે. UAEની વસ્તીમાં સૌથી વધુ 30 ટકા ભારતીયો છે. વર્ષ 2021ના UAE સરકારના રેકોર્ડ મુજબ ત્યાં 35 લાખ ભારતીયો રહે છે. ભારતમાંથી સૌથી વધુ કેરળવાસીઓ UAEમાં રહે છે. ભારતના ઉત્તરી રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભારતીયો નોકરીની શોધમાં યુએઈ જાય છે. UAEના એમિરેટાઇઝેશન વધારવાના નિર્ણયની ભારતીયો પર મોટી અસર પડશે. ખાનગી કંપનીઓ તેમને નોકરી પર ઓછી રાખશે.