ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે મૂડી રોકાણ માટે UAEએ બતાવી તત્પરતા, મુખ્યમંત્રી સાથે યોજાઈ બેઠક
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે યુનાઇટેડ આરબ એમીરાટ્સના મિનિસ્ટર ઓફ ઇન્વેસ્ટમેન્ટ મોહમ્મદ હસન અલ્સુવૈદીની અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.
ભારત-ગુજરાત-યુ.એ.ઇ ના વાણિજ્યક સંબંધોનો સેતુ વધુ દ્રઢ કરવા અંગે આ બેઠકમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણો અને પરસ્પર સહયોગ અંગે ફળદાય વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
યુ.એ.ઇ ના મિનિસ્ટર ઓફ ઇન્વેસ્ટમેન્ટ મોહમ્મદ હસને ખાસ કરીને ગુજરાતમાં ફૂડ પાર્ક સ્થાપવા માટે રસ દર્શાવ્યો હતો. આવા ફૂડ પાર્ક I2U2 અન્વયે મિડલ ઇસ્ટ ના દેશોમાં ખાદ્ય સુરક્ષાની દિશામાં એક નક્કર પગલું બનશે. એટલું જ નહિ તેમણે રીન્યુએબલ એનર્જી, ઓફશોર એન્ડ વિન્ડ એનર્જી ક્ષેત્રમાં યુ.એ.ઇ દ્વારા રોકાણો અંગે ઉત્સુકતા દર્શાવી હતી. રિટેઇલ માર્કેટ અને પાવર પ્લાન્ટ તથા વેરાવળ અને પોરબંદર ખાતે સૂચિત સી-ફૂડ ઇન્ડસ્ટ્રી વિકસાવવા પર તેમણે રસ દર્શાવ્યો હતો.
આ સેક્ટર્સમાં ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલ્સ, ગુજરાતમાં તે માટે યોગ્ય જગ્યાઓ-જમીન વગેરેની પ્રાથમિક તૈયારીઓ માટે આગામી દિવસોમાં યુ.એ.ઇ ની એક્સપર્ટ ટીમ ગુજરાત આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત-યુ.એ.ઇ ના સંબંધો જે ઉષ્માપૂર્ણ રીતે વિકસ્યા છે અને પરસ્પર રોકાણો માટેની તકો ખુલી રહી છે તે સંદર્ભમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સરકારના સંપૂર્ણ સહયોગ અંગે ખાતરી આપી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, યુ.એ.ઇ ની તજજ્ઞ ટીમ રોકાણો માટે લોકેશન પસંદ કરી લે એટલે જરૂરી પરવાનગીઓ, જમીન ફાળવણી વગેરેનું આયોજન રાજ્ય સરકાર ત્વરાએ હાથ ધરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌના સાથ, સૌના વિકાસ અને સમગ્ર વિશ્વ એક પરિવારના મંત્ર સાથે વડાપ્રધાનએ વિકસિત ભારત બનાવવાની જે નેમ રાખી છે તેમાં યુ.એ.ઇ ને ગુજરાતમાં રોકાણો માટે યોગ્ય સહયોગ રાજ્ય સરકાર આપશે તેવી ખાતરી પણ આપી હતી. યુ.એ.ઇ ના મંત્રી અને ડેલીગેશન સમક્ષ ગુજરાતની ગ્રોથ સ્ટોરી અન્વયે એનર્જી સેક્ટર, ગ્રીન ગ્રોથ, ગિફ્ટસિટી, ધોલેરા SIR, PM મિત્ર પાર્ક, પોર્ટ લેડ ડેવલપમેન્ટ અને ફૂડ એન્ડ એગ્રી પ્રોડક્ટસ પાર્ક, રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ સહિતની વિકાસ ગાથા ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદરે પ્રસ્તુત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુ.એ.ઇ ને આગામી વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવા માટેનું નિમંત્રણ પાઠવ્યું હતું. તેમજ યુ.એ.ઇ ના મંત્રીએ મુખ્યમંત્રીશ્રીને યુ.એ.ઇ ની મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું.આ મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, મહેસુલના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ સચિવો સહભાગી થયા હતા.