જયપુરઃ કન્હૈલાલ હત્યા કેસમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. પોલીસે રાજસ્થાનના ચિત્તોડગઢમાંથી 3 આરોપીઓની ધરપકડ કરી છે. ઉદયપુર કન્હૈયાલાલ મર્ડર કેસની તપાસ કરી રહેલી NIAએ આ કેસમાં નવો ખુલાસો કર્યો છે. NIAની પૂછપરછમાં ખુલાસો થયો છે કે, આ હત્યામાં મોહમ્મદ ગૌસ અને રિયાઝ સિવાય કુલ પાંચ લોકો સામેલ હતા. ટેલર કન્હૈયાલાની હત્યા સંપૂર્ણ પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. તે જ સમયે, ઘટના દરમિયાન કોઈ ખલેલ ન પડે તે માટે બેકઅપ પ્લાન પણ બનાવવામાં આવ્યો હતો, જેમાં ત્રણ લોકો સામેલ હતા.
કન્હૈયાલાલ હત્યા કેસની તપાસ કરી રહેલી NIAએ મુખ્ય આરોપી મોહમ્મદ ગૌસ અને રિયાઝના બે સહયોગીઓ મોસીન અને આસિફની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. બંનેએ NIA ટીમને જણાવ્યું કે, હત્યા બાદ મોહમ્મદ ગૌસ અને રિયાઝને સલામત માર્ગ આપવા માટે બેકઅપ પ્લાન પણ તૈયાર છે. આ બેકઅપ પ્લાનમાં ત્રણ લોકો સામેલ હતા. પ્લાન મુજબ મોસીન અને તેનો સાથી આસીફ કન્હૈયાલાલની દુકાનથી થોડે દૂર ઉભા હતા. તે જ સમયે તેનો અન્ય એક સાથી સ્કૂટી પર નજીકમાં હાજર હતો.
મોસીન અને આસિફે તપાસ ટીમને જણાવ્યું કે તેઓ પ્લાનિંગ કરી રહ્યા હતા કે, કન્હૈયાલાલની હત્યા કર્યા પછી જો ગૌસ અને રિયાઝ કોઈ કારણસર પકડાઈ જાય, તો તેમને ત્યાંથી બહાર કાઢવાનું કામ આ ત્રણનું હતું. તેમની પાસે ખંજર પણ હતા અને તેઓ ટોળા પર હુમલો કરીને તેમને બચાવી લે તેવુ કાવતરુ ઘડવામાં આવ્યું હતું.
(Photo-File)