નવી દિલ્હીઃ તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના પુત્ર અને ડીએમકેના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈને અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સર્વોચ્ચ અદાલતે ઉદયનિધિ સ્ટાલિન સામે નોટિસ પાઠવી છે. સનાતન ધર્મના વિવાદિત નિવેદનને પગલે ઉદયનિધિ સ્ટાલિનની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.
કેસની હકિકત અનુસાર ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈને કરેલી વાંધાજનક ટિપ્પણીને લઈને મામલો સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે અને ઉદયનિધિ સ્ટાલિનની સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સાંસદ એ.રાજા, સાંસદ થિરુમાવલવન, સાંસદ વેંક્ટેશન, તમિલનાડુના ડીજીપી, ગ્રેટર ચેન્નાઈના પોલીસ કમિશનર, મંત્રી પી.કે.શેખર બાબુ, તમિલનાડુ રાજ્ય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ પીટર અલ્ફોંસ અને અન્યની સામે પણ નોટિસ કાઢવામાં આવી છે. સનાતન ધર્મની ટીપ્પણીને લઈને સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી થઈ છે, તેમાં તમિલનાડુ અને કેરલના પોલીસ મહાનિદેશકની સામે અદાલતની અવમાનતાની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.
તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિરુદ્ધ કરેલા ટિપ્પમીને પગલે વિવાદ વકર્યો હતો. ભાજપાએ ઉદયનિધિ સ્ટાલિન અને કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ સામે આકરા પ્રહાર કર્યાં હતા. સ્ટાલિન ઉપરાંત એ.રાજા સહિતના નેતાઓએ પણ સનાતન ધર્મને લઈને વિવાદિત નિવેદન કર્યું હતું. બીજી તરફ ડીએમકે વિપક્ષી એકતા I.N.D.I.Aનો હિસ્સો છે. જેથી કોંગ્રેસના વિપક્ષ પક્ષોએ આ મામલે કંઈ બોલવાનું ટાળ્યું હતું. આગામી વર્ષે યોજનારી લોકસભાની ચૂંટણીમાં ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને લઈને કરેલી ટિપ્પણી મુખ્ય મુદ્દો રહેવાની શકયતા છે.