મુંબઈઃ શિવ સેનામાંથી શિંદે જુથે બળવો કરીને ભાજપનો સાથ લઈને સત્તાના સૂત્રો હસ્તગત કર્યા બાદ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે શિવસેના અને તેના ધનુષ બાણ પ્રતિક મેળવવા ચૂંટણી પંચમાં દાવો કરવામાં આન્યો હતો. દરમિયાન ચૂંટણી પંચે શિવસેનાના પ્રતિક પર કાયમી પ્રતિબંધ મુકી દઈને શિંદે અને ઉદ્ધવ ઠાકરેને નવા પક્ષનું નામ અને પ્રતિકની પસંદ કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ મુંબઈના અંધેરી ઈસ્ટમાં યોજાનારી પેટાચૂંટણી માટે ચૂંટણી પંચ (EC)ને તેમના પક્ષનાં નામ અને ચિહ્નની યાદી સુપરત કરી છે. શિંદે જૂથની અરજી પર ચૂંટણી પંચે શિવસેનાના પ્રતીક તીર-કમાન્ડને ફ્રિઝ કરી દેતાં ઉદ્ધવ જૂથે આ પગલું ભર્યું હતું.
ચૂંટણી પંચના આ નિર્ણય પછી શિંદે અને ઉદ્ધવ જૂથ આ ચિહ્નનો ઉપયોગ કરી શકશે નહીં. કેટલાક રિપોર્ટમાં દાવો કર્યો છે કે ઉદ્ધવ જૂથે ચૂંટણી પંચને બે નામ આપ્યાં છે. પહેલું- શિવસેના બાલા સાહેબ ઠાકરે અને બીજુ- શિવસેના ઉદ્ધવ બાલા સાહેબ ઠાકરે. નિશાનીમાં શિવસેનાએ પોતાની પહેલી પસંદ ત્રિશૂળ અને બીજુ ચિહ્ન ઊગતો સૂર્ય પસંદ કરીને બેમાંથી કોઈપણ એક પક્ષનું નામ અને પ્રતિક ફાળવવાની માગણી કરવામાં આવી છે. માતોશ્રીમાં ઉદ્ધવ જૂથના નેતાઓની બેઠક મળી હતી. જેમાં ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર પાર્ટીના નવા નામ અને ચૂંટણી ચિહ્ન પર ચર્ચા કરવામાં આવી હતી.
એનસીપીના નેતા શરદ પવારે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચનો નિર્ણય ચોંકાવનારો નથી. મને તેની આશંકા હતી. પંચના નિર્ણયથી શિવસેનાનો અંત નહીં થાય, પરંતુ કાર્યકરોમાં નવો જોશ આવશે. તેમણે કહ્યું- મારી પાર્ટીનું ચિહ્ન પાંચ વખત બદલવામાં આવ્યું પરંતુ તેનાથી કોઈ ફરક નથી પડ્યો.
19 જૂન 1966માં બાલાસાહેબ ઠાકરેએ શિવસેનાની સ્થાપના કરી હતી, પરંતુ શરૂઆતમાં સામાજિક સંસ્થા તરીકે કામ કરતી હતી. 1968માં રાજકીય પાર્ટી તરીકે શિવસેનાએ નોંધણી કરાવી. પહેલી ચૂંટણી પાર્ટીએ 1971માં લડી હતી, તે વખતે ખજૂરનું ઝાડ ચિહ્ન હતું. શિવસેનાએ ત્યાર પછી રેલવે એન્જિન અને ઢાલ-તલવાર પણ ચિહ્ન તરીકે રાખ્યાં, પરંતુ તે પણ નિષ્ફળ ગયાં. 1985માં સિનિયર ઠાકરેએ તીર-કમાનનું ચિહ્ન રાખ્યું અને મુંબઈ નગરપાલિકાની ચૂંટણી લડ્યા. પાર્ટીને મોટા માર્જિનથી જીત મળી અને કોંગ્રેસના સહયોગથી સરકાર બનાવી હતી.