મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ફરી એકવાર હિન્દુત્વના મુદ્દે ઉદ્ધવ ઠાકરે સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. શિંદેએ કહ્યું કે, જ્યારે પણ મામલો હિન્દુત્વ, વીર સાવરકર, દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બ્લાસ્ટનો આવે ત્યારે શિવસેનાની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડી સરકાર કોઈ નિર્ણય લઈ શકતી ન હતી.
તેમણે વધુમાં કહ્યું કે, 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી લડ્યાં હતા. પરંતુ સરકાર બનાવી એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને, જેથી જ્યારે જ હિન્દુત્વ, દાઉદ ઈબ્રાહિમ, મુંબઈ બોમ્બ બ્લાસ્ટ અને સાવરકરની વાત આવતી તો સરકાર નિર્ણય લઈ શકતી ન હતી. એનસીપીના નેતા નવાબ મલિકની ઈડીએ ધરપકડ કરી છે. ઈડીએ દાઉદ ઈબ્રાહીમ સાથે જોડાયેલા મની લોન્ડ્રીંગના કેસમમાં ધરપકડ કરાઈ છે.
તેમણે વધુમાં કહ્યું કે, હિન્દુ હ્રદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરેની વિચારધારાને આગળ વધારવાન નિર્ણય લીધો છે. જે 50 ધારાસભ્યોએ આ નિર્ણય લીધો છે તો મોટી વાત છે. કોઈ નાની વાતમાં આટલુ મોટુ પગલુ ભરતું નથી. એકનાથ શિંદેએ અગાઉ કહ્યું હતું કે, બાલાસાહેબ ઠાકરેની શિવસેના એવા લોકોનું સમર્થન કેવી રીતે કરી શકે જે મુંબઈ બોમ્બ બ્લાસ્ટના દોષિતો અને દાઉદ ઈબ્રાહીમ સાથે સંબંધ ધરાવતા હોય.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ શિંદેજૂથ અને ભાજપાએ સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે. નવી સરકારમાં સીએમ તરીકેની જવાબદારી એકનાથ શિંદેને મળી છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને બનાવવામાં આવ્યાં છે.