મુંબઈઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા ઈવીએમ ઉપર સવાલો ઉઠી રહ્યાં છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકાર ચૂંટણી માટે બેલેટ પેપરને ફરીથી શરૂ કરવા વિચારી રહી છે. આ માટે ઈવીએમની સાથે બેલેટ પેપર પર ચૂંટણી કરાવવા માટે ટ્રાફ્ટ તૈયાર કરવા માટે પણ મુખ્યમંત્રીએ આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારે બેલેટ પેપર ઉપર ચૂંટણી કરવા માટે ડ્રાફ્ટ તૈયાર કરવા નિર્દેશ કર્યો છે. જો ડ્રાફ્ટ તૈયાર થઈ જશે તો વિધેયકને આગામી બજેટ સત્રમાં રજૂ કરવામાં આવે તેવી શકયતા છે. આ બિલ ફક્ત મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ લાગુ થશે. આ મુદ્દે ચૂંટણીપંચના અધિકારીઓ સહિતના સંબંધિત અધિકારીઓ સાથે સરકાર દ્વારા બેઠક કરવામાં આવી હતી. સંભવિત વિધેયક માટે સંવિધાનના અનુચ્છેદ 328 મુજબ સુધારા થાય તેવી શકયતા છે. સંવિધાન અનુસાર રાજ્ય સરકારને આ પ્રકારના કાયદા બનાવવાનો અધિકાર આપે છે. આમ ચૂંટણી ઈવીએમથી કરવી કે બેલેટ પેપરથી આ નિર્ણય સરકાર કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે, ઈવીએમમાં છેડછાડના આક્ષેપ સાથે વિપક્ષ છેલ્લા કેટલાક મહિનાઓથી બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગણી કરી રહ્યાં છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકાર બેલેટ પેપરથી ચૂંટણી યોજવા અંગે વિચારી રહી છે. આ મુદ્દે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ સહમતી દર્શાવી છે.