નવી દિલ્હીઃ UGC નેટ પરીક્ષા રદ કરવામાં આવી છે. આ માહિતી શિક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે 18 જૂન, 2024ના રોજ લેવાયેલી NET પરીક્ષાની પવિત્રતા સાથે ચેડા કરવામાં આવ્યા છે. ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (14C) દ્વારા આપવામાં આવેલા ઈનપુટ મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો છે. NEETની જેમ, UGC NET પરીક્ષા પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે.
શિક્ષણ મંત્રાલયે બુધવાર, 19 જૂનના રોજ ટ્વીટ કર્યું હતું કે ‘ગૃહ મંત્રાલય હેઠળના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા મળેલી પ્રારંભિક માહિતીને ધ્યાનમાં રાખીને, 18 જૂને લેવાયેલી UGC NET 2024 પરીક્ષા રદ કરવામાં આવી રહી છે. હવે આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે. UGC NET પરીક્ષાની નવી તારીખથી સંબંધિત માહિતી ugcnet.nta.nic.in પર અલગથી પ્રકાશિત કરવામાં આવશે.
શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે ‘UGC NET પરીક્ષામાં થયેલી ગેરરીતિઓની તપાસની જવાબદારી CBIને સોંપવામાં આવી રહી છે. સરકાર પરીક્ષાઓની પવિત્રતા જાળવવા અને વિદ્યાર્થીઓના હિતના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે. NET પરીક્ષામાં ગેરરીતિ માટે જવાબદાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.