ભોપાલ:મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના અવસર પર “શિવ જ્યોતિ અર્પણ-2023” કાર્યક્રમ હેઠળ લગભગ 21 લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ જાણકારી આપી.ગત વર્ષે ઉજ્જૈનમાં મહાશિવરાત્રી પર 11,71,078 માટીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.અધિકારીઓએ જણાવ્યું કે હવે 21 લાખ દીવા પ્રગટાવીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
શનિવારે મહાશિવરાત્રી પર્વની તૈયારીઓની સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઉજ્જૈનમાં 18 ફેબ્રુઆરીએ દિવાળીની જેમ મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવશે.ચૌહાણે કહ્યું કે મહાશિવરાત્રી પર ઉજ્જૈનના રહેવાસીઓ 21 લાખ દીવા પ્રગટાવીને ભગવાન મહાકાલ પ્રત્યેની તેમની ભક્તિ વ્યક્ત કરશે.સમાજ અને સરકારની ભાગીદારીથી જ આ અભૂતપૂર્વ ઘટના શક્ય બનશે.
અધિકારીઓએ બેઠકમાં માહિતી આપી હતી કે,ઉજ્જૈનમાં શિવ જ્યોતિ અર્પણ કાર્યક્રમ અંતર્ગત મંદિરો, વ્યાપારી સ્થળો, ઘરો ઉપરાંત ક્ષિપ્રા નદીના કિનારે અને શહેરના મહત્વના આંતરછેદો અને સ્થળોએ માટીના દીવા પ્રગટાવવામાં આવશે.અધિકારીઓએ જણાવ્યું હતું કે,ઉજ્જૈનમાં અગ્રણી સ્થાનોને ઇલેક્ટ્રિક શણગાર અને રંગોળીઓથી શણગારવામાં આવશે.તેમણે કહ્યું કે ગયા વર્ષે મહાશિવરાત્રિ પર ઉજ્જૈનમાં 11,71,078 દીવાઓ પ્રગટાવ્યા બાદ 2022માં દિવાળી પર ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં 15.76 લાખ દીવાઓ પ્રગટાવીને વિશ્વ રેકોર્ડ બનાવાયો. અધિકારીઓએ જણાવ્યું કે,આ વખતે મહાશિવરાત્રિ પર ઉજ્જૈનમાં આખો કાર્યક્રમ ‘ઝીરો વેસ્ટ’ સિદ્ધાંત પર આધારિત હશે.તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં 20,000 થી વધુ સ્વયંસેવકો ભાગ લેશે.