દિલ્હી : બ્રિટિશ સરકારે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર બે ભારતીય સૈનિકોની એંગ્લો-હંગેરિયન ચિત્રકાર ફિલિપ ડી લાઝલો દ્વારા બનાવેલી પેઇન્ટિંગ પર કામચલાઉ નિકાસ પ્રતિબંધ લાદ્યો છે, જેથી તેને દેશની બહાર લઈ જવામાં ન આવે. યુકે સરકારે દેશની એક સંસ્થાને આ “ભવ્ય અને સંવેદનશીલ” પેઇન્ટિંગ ખરીદવા માટે સમય આપવા માટે આ પ્રતિબંધ લાદ્યો છે. આશરે રૂ. 6.5 કરોડની કિંમતની આ પેઇન્ટિંગમાં ઘોડેસવાર અધિકારીઓ રિસાલદાર જગત સિંહ અને રિસાલદાર માન સિંહ, બ્રિટિશ-ભારતીય સૈન્યના અભિયાન દળના જુનિયર કમાન્ડર, જેમણે ફ્રાન્સમાં સોમના યુદ્ધમાં સેવા આપી હતી.
એવું માનવામાં આવે છે કે બંને યુદ્ધ દરમિયાન જ શહીદી પામ્યા હતા. આ ચિત્ર તદ્દન દુર્લભ છે, જે પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીયોની સક્રિય ભાગીદારી દર્શાવે છે. બ્રિટનના આર્ટસ અને હેરિટેજ મંત્રી લોર્ડ સ્ટીફન પાર્કિન્સનએ જણાવ્યું હતું કે, “આ અદભૂત અને સંવેદનશીલ પેઇન્ટિંગ આપણા ઈતિહાસની એક મહત્વની ક્ષણને કેપ્ચર કરે છે, જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ લડવામાં મદદ કરવા માટે વિશ્વભરમાંથી સૈનિકોને લાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, “હું આશા રાખું છું કે બહાદુર સૈનિકો અને તેમના યોગદાનની વાર્તા કહેવા માટે આ ભવ્ય ચિત્ર યુકેમાં રહેશે,”
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન લગભગ 1.5 મિલિયન ભારતીય સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા અને રેકોર્ડ્સ મુજબ, ચિત્રમાંના બે સૈનિકો ફ્રાન્સ લડવા માટે મોકલવામાં આવ્યા તેના બે મહિના પહેલા લંડનમાં ફિલિપ ડી લાઝલો સામે બેઠા હતા, જેથી તે તેમની છબીઓ કેનવાસ પર ચિત્રિત કરી શકે. એવું માનવામાં આવે છે કે ડી લાઝલોએ આ પેઇન્ટિંગ પોતાના સંગ્રહ માટે બનાવ્યું હતું અને તે 1937માં તેમના મૃત્યુ સુધી તેમના સ્ટુડિયોમાં રાખવામાં આવ્યું હતું. યુકે સરકારે એક સમિતિની સલાહ પર આ ચિત્રની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. યુદ્ધમાં ભારતીયોના યોગદાનના અભ્યાસના મહત્વના આધારે સમિતિએ આ ભલામણ કરી છે.