નવી દિલ્લી: કોરોનાવાયરસના નવા વેરિયન્ટ એટલે કે ડેલ્ટા વેરિયન્ટને લઈને તમામ દેશો ચીંતીત છે. આવા સમયમાં જો સૌથી વધુ ચીંતીત કોઈ દેશ હોય તો તે છે યુનાઈટેડ કિંગડમ. યુરોપ ખંડમાં આવેલા આ દેશ એટલે કે યુકેમાં ડેલ્ટા વેરિયન્ટના કેસનો આંકડો 50000ને પાર કરી ગયો છે અને તેના કારણે લોકોમાં ચીંતા પણ વધી છે.
ગત સપ્તાહની સરખામણીમાં યુકેમાં આ સપ્તાહે ડેલ્ટા વેરિઅન્ટના કેસોની સંખ્યામાં 46 ટકા વધારો થવા સાથે કુલ 50,824 કેસો નોંધાયા હોવાનું ઓરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું. જો કે, કેસની સંખ્યા વધવા સાથે હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે દાખલ થનારા દર્દીઓની સંખ્યા એટલા પ્રમાણમાં વધી નથી તેથી આ ભારે ચેપી ડેલ્ટા વેરિઅન્ટ સામે કોરોનાની રસીઓ અસરકારક હોવાનો સંકેત મળે છે.
ડેલ્ટા બી1.617.2 વેરિઅન્ટના 50,824 કેસમાંથી 42 કેસ ડેલ્ટા એવાય.1 અને મ્યુટેશન કે417એનના જણાયા છે. નવા વેરિઅન્ટના આ 42 કેસોમાં રસી પ્રતિકારક હોવાની જણાઈ રહ્યુ છે. દરમ્યાન કોરોના મહામારીને પ્રસરતી અટકાવવા માટે યુએઇ દ્વારા તેના નાગરિકો પર ભારત-પાકિસ્તાન સહિત 14 દેશોમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
કોરોનાના આ વેરિયન્ટને લઈને જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીએ દાવો કર્યો હતો કે તેની કોરોના રસી ડેલ્ટા વેરિએન્ટ સામે આઠ મહિના પછી પણ અસરકારક જણાઇ છે. કંપનીએ ડેલ્ટા વેરિઅન્ટ સામે તેમની રસીની અસરકારકતા ચકાસવા માટે હાથ ધરેલા બે અભ્યાસોના પરિણામો જાહેર કરતાં આમ જણાવવામાં આવ્યું હતું.