નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે 14 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. તેમજ રશિયન સૈન્ય રાજધાની કિવ સહિતના શહેરો ઉપર બોમ્બમારો કરી રહ્યાં છે. દરમિયાન રશિયન સૈન્યના 12 હજાર જવાનોને મારવામાં આવ્યાં હોવાનો યુક્રેને દાવો કર્યો છે. આ ઉપરાંત 317 ટેન્ક અને 1070 યુદ્ધ વિમાન તોડી પાડવામાં આવ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
દરમિયાન કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડોએ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કી સાથે વાત કરી હતી. તેમજ ટૂડોએ કહ્યું કે, કાનાડા યુક્રેનને મિલિટ્રી સાધનો મોકલશે. આ ઉપરાંત ટૂડોએ જેલેંસ્કીને કનાડાની સંસદમાં સંબોધિત કરવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. દરમિયાન પોલેન્ડ દ્વારા પોતાના તમામ મિગ-29 ફાઈટર પ્લેન યુક્રેનને આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ અમેરિકાએ કહ્યું હતું કે, આ પગલુ ચિંતા ઉભુ કરનારું છે અને યોગ્ય નથી.
રશિયાએ યુક્રેન સામે કરેલી સૈન્ય કાર્યવાહીનો દુનિયાના અનેક દેશો વિરોધ કરી રહ્યાં છે. તેમજ અમેરિકા અને બ્રિટેન સહિતના દેશોએ રશિયા ઉપર આકરા પ્રતિબંધ લાદ્યાં છે. બીજી તરફ ભારત બંને દેશોને વાતચીતથી સમાધાન લાવવા અપીલ કરી રહ્યું છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાત કર્યા બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે પણ વાત કરી હતી. તેમજ વાતચીતથી સમસ્યાનો ઉકેલવવા બંને મહાનુભાવોને અપીલ કરી હતી.