નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાની યુક્રેન સામેની સૈન્ય કાર્યવાહીનો આજે ત્રીજો દિવસ છે. દરમિયાન રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 198 વ્યક્તિઓના મોત થયા હોવાનો યુક્રેન સરકારે દાવો કર્યો છે. યુક્રેનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મૃત્યુ પામેલા લોકોમાં 3 બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1115 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયાં છે. ઈજાગ્રસ્તોમાં 33 બાળકોનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવ ભરેલી સ્થિતિ હતી. દરમિયાન રશિયાએ યુક્રેન સામે સૈન્ય કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ત્રણેક દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનની રાજધાની કિવમાં બંને દેશની સેના વચ્ચે જંગ ચાલી રહી છે. બીજી તરફ અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોએ રશિયાની સૈન્ય કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરીને અનેક પ્રતિબંધ ફરમાવ્યાં છે.
ભારતમાં પોલેન્ડના રાજદૂત એડમ બુરાકોવ્સ્કીએ કહ્યું હતું કે, પોલેન્ડ અને યુરોપીય સંઘના અન્ય દેશ રશિયા દ્વારા યુક્રેન પર હુમલાને લઈને નિંદા કરે છે. પોલેન્ડ અને અન્ય દેશ યુક્રેનને હથિયારો પુરા પાડવામાં આવી રહ્યાં છે. યુક્રેન ઉપર રશિયાના હુમલાને લઈને પોલેન્ડ, લિથુઆનિયા અને જર્મનીના નેતાઓની બેઠક મળી હતી અને પ્રતિબંધોને લઈને ચર્ચા કરવામાં આવી હતી.
રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ દિમીત્રી મેદવેદેવએ કહ્યું હતું કે, રશિયા પશ્ચિમ સાથે પોતાની કુટનૈતિક સંબંધ સમાપ્ત કરી શકે છે. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને તેમણે કહ્યું કે, દૂતાવાસો ઉપર તાળા મારવાનો સમય છે મોસ્કો યુક્રેનમાં પોતાનું અભિયાન ચાલુ રાખશે.