નવી દિલ્હીઃ યુક્રેન વિરુદ્ધ રશિયન સૈન્યની કાર્યવાહી શરૂ થયાને લગભગ બે મહિના વીતી ગયા છે. આ દરમિયાન તબાહી સાથે જોડાયેલી ઘણી તસવીરો સામે આવી છે. અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડ્યો છે. આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં નાગરિકો અને સૈનિકો પણ મૃત્યુ પામ્યા હતા. જોકે, રશિયન સૈનિકોના મૃત્યુનો આંકડો હજુ સ્પષ્ટ થયો નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયા આ યુદ્ધમાં પોતાના નુકસાનને ગુપ્ત રાખવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે. જો કે, હવે યુક્રેનના વિદેશ મંત્રાલયે રશિયન સૈનિકોના મૃત્યુ સંબંધિત આંકડા જાહેર કર્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુદ્ધમાં અત્યાર સુધીમાં 21200 રશિયન સૈનિકો માર્યા ગયા છે. લશ્કરી સાધનોના નુકસાનના કિસ્સામાં, આંકડો પણ ઘણો મોટો છે. યુક્રેનના મંત્રાલયનું કહેવું છે કે, રશિયાએ અત્યાર સુધીમાં 2,162 બખ્તરબંધ વાહનો, 176 એરક્રાફ્ટ, 153 હેલિકોપ્ટર, 838 આર્ટિલરી ગન અને 1523 અન્ય વાહનો ગુમાવ્યા છે. આ સિવાય રશિયાને યુએવી, શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ સિસ્ટમ અને ઘણી બોટનું પણ નુકસાન થયું છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ મિશેલ સાથે મુલાકાત કરી હતી. દરમિયાન તેમણે રશિયા સાથેના યુદ્ધ વચ્ચે EU તરફથી મળેલી મદદની પ્રશંસા કરી છે. “યુરોપિયન ભાગીદારોએ અમારી લશ્કરી ક્ષમતામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ દરમિયાન તેમણે 1.5 બિલિયન યુરોની મદદનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ સિવાય ઝેલેન્સકીએ રશિયા પર પ્રતિબંધો લાદવા બદલ EUની પણ પ્રશંસા કરી છે. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખે કહ્યું, ‘યુક્રેનની જીત માટે અમે જે કંઈ કરી શકીએ તે કરીશું.