Site icon Revoi.in

યુક્રેનનો દાવો, અમે રશિયાના અનેક સૈનિકોને બંદી બનાવ્યા, 50 ઠાર કર્યા અને 450 યુક્રેનિયન લોકોના મોત

Social Share

દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે હાલ જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને અતિભયંકર સમાચાર આવી રહ્યા છે. યુક્રેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે અત્યાર સુધીમાં રશિયાના લગભગ 50 સૈનિકોને ઠાર કર્યા છે, કેટલાક લોકોને બંદી બનાવ્યા છે અને અમારા 450 જેટલા યુક્રેનિયન લોકોના પણ મોત થયા છે.

યુક્રેન દ્વારા તે પણ દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના સૈનિકો અને એરફોર્સ દ્વારા 11 એરફિલ્ડ સહિત 70 સૈન્ય સ્થળોને તોડી પાડવામાં આવ્યા છે.

રશિયન સૈન્યના ગુરુવારે વહેલી સવારે યુક્રેન પર ભીષણ આક્રમણથી દુનિયાભરમાં ગભરાટ ફેલાઈ ગયો છે. યુક્રેન પર હુમલાના કેટલાક સમય પછી રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને રાષ્ટ્રજોગ સંબોધનમાં યુક્રેન સામે યુદ્ધનું એલાન કર્યું હતું. પુતિને યુક્રેનના અસૈન્યીકરણ અને નાઝીઓથી મુક્ત કરાવવાના આશય સાથે વિશેષ સૈન્ય અભિયાનની જાહેરાત કરી હતી. રશિયન સૈન્યે યુક્રેન પર ત્રણ દિશામાંથી હુમલો કરવાની સાથે સાઈબર હુમલો પણ શરૂ કરી દીધો છે.

રશિયાએ અંતે બુધવાર-ગુરુવારની મધરાતે યુક્રેન સામે ઉત્તર, દક્ષિણ અને પૂર્વ એમ ત્રણે બાજુથી જમીન અને હવાઈ આક્રમણ કરતાં પૂર્ણ સ્તરનું યુદ્ધ શરૂ કરી દીધું છે.

રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનના આદેશની સાથે જ રશિયાએ હવાઈ હુમલો કરતાં મિસાઈલ્સ અને બોમ્બનો વરસાદ વરસાવ્યો છે જ્યારે રશિયન ટેન્કો અને હેલિકોપ્ટર્સ વહેલી સવારે યુક્રેનમાં ઘૂસ્યા હતા. યુક્રેનની રાજધાની કિવમાં રશિયન હેલિકોપ્ટર્સ અને વિમાનો ઊડતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.