નવી દિલ્હીઃ પાકિસ્તાની વિદ્યાર્થીઓ પણ યુક્રેનમાં ત્રિરંગાની છત્રછાયામાં આવીને પોતાનો જીવ બચાવી રહ્યા છે. ઘણા પાકિસ્તાનીઓ ભારતીય ધ્વજ સાથેના વાહનોમાં યુક્રેન બોર્ડર પર પહોંચ્યા હતા. યુક્રેનથી બિહાર પરત ફરેલા વિદ્યાર્થી રાશિદ ઈરફાનીએ ત્યાંની પરિસ્થિતિનું વર્ણન કરતાં કહ્યું કે, તેણે ઘણા પાકિસ્તાની વિદ્યાર્થીઓને પોતાનો જીવ બચાવવા માટે ભારતીય ધ્વજવાળા વાહનોમાં સવારી કરતા જોયા છે.
ઈરફાનીએ મીડિયાને જણાવ્યું કે તેના ઘણા મિત્રો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે. તેઓ સતત મદદ માટે આજીજી કરી રહ્યા છે. ઈરફાનીના કહેવા પ્રમાણે, પાકિસ્તાની વિદ્યાર્થીઓ પણ ભારતીય ધ્વજવાળા વાહનોમાં બેસીને યુક્રેન બોર્ડર પર પહોંચી રહ્યા છે. રોમાનિયન એનજીઓ શરણાર્થીઓનું વધુ સારી રીતે સંચાલન કરી રહી છે. માઇનસ પાંચ ડિગ્રી તાપમાનમાં, તેઓ બધા લોકો માટે ખાવા-પીવાની અને ગરમ કપડાંની વ્યવસ્થા કરવામાં રોકાયેલા છે. વિદ્યાર્થીએ જણાવ્યું કે, બિહાર સરકારની મદદથી દિલ્હીથી પટના અને પછી સકરી એમ ઘરે પહોંચ્યો હતો. વિદ્યાર્થી પરત ફરતા પરિવારજનો અને પરિચીતોને રાહતનો શ્વાસ લીધો હતો.
તાજેતરમાં યુક્રેનથી પરત ફરેલા એક MBBS સ્ટુડન્ટે જણાવ્યું કે યુક્રેનમાં વિદ્યાર્થીઓ બંકરમાં રહે છે અને જીવિત રહેવા માટે દરરોજ ભગવાનને પ્રાર્થના કરે છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે વિદ્યાર્થીઓને પાણી માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. ખાવા-પીવા માટે પણ ભારે સંઘર્ષ કરવો પડે છે. રાત્રે આકાશમાંથી બોમ્બ અને મિસાઈલોનો વરસાદ વરસી રહ્યો છે, જ્યારે વિશાળ ટેન્કરો આખો દિવસ રસ્તાઓ ઉપર ફરી રહ્યાં છે.