Site icon Revoi.in

યુક્રેન-રશિયા યુદ્ધઃ સોશિયલ મીડિયામાં મોટાભાગના ભારતીયો સોશિયલ મીડિયામાં કોને આપે છે સમર્થન જાણો

Social Share

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સાત દિવસ થઈ ગયા છે. આ યુદ્ધમાં રશિયાએ આક્રમકની ભૂમિકા ભજવી હોવાથી યુક્રેન પીડિત જણાય છે અને મોટાભાગના લોકો તેની સાથે સહાનુભૂતિ ધરાવે છે. જો કે ભારતમાં એક મોટો વર્ગ ખુલ્લેઆમ રશિયાને સમર્થન આપી રહ્યો છે. આ વર્ગ અમેરિકા અને નાટો ગઠબંધનને રશિયા-યુક્રેન યુદ્ધનો અસલી વિલન માની રહ્યો છે. રશિયાના સમર્થકો વિવિધ દલીલો આપી રહ્યા છે. #ISstandWithPutin સોશિયલ મીડિયા ટ્વિટર પર ટોપ ટ્રેન્ડિંગ છે. લોકો આ હેશટેગની સાથે ફેક્ટ, કાર્ટૂન અને મીમ વગેરે રીતે પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

ટ્વિટર હેન્ડલ @akashrusty કહ્યું હતું કે, યુક્રેનના રાષ્ટ્રપતિ પાસે રશિયનો સામે અમેરિકનોના પ્રોક્સી બનવા કરતાં ન્યાયી બનીને યુદ્ધ ટાળવાનો વધુ સારો વિકલ્પ હતો, પરંતુ તેઓ અમેરિકન યુક્તિઓનો ભોગ બન્યા. તેઓને 100 % વધારે મજબૂત લશ્કરી દળ સામે ધકેલી દેવાયું છે.

ટ્વિટર હેન્ડલ @the_rahulyadav7એ ટ્વિટમાં કાર્ટૂન શેર કર્યું અને લખ્યું, ‘જ્યારે અમેરિકા મધ્ય પૂર્વમાં આવું જ કરે છે, ત્યારે કોઈને ચિંતા નથી, પરંતુ જ્યારે યુરોપની સરહદે આવેલો કોઈ દેશ આવું કરે છે, ત્યારે બધા ચીસો પાડવા લાગે છે. પશ્ચિમી દેશો ખતરો અનુભવી રહ્યા છે અને શસ્ત્રોની મદદ કરી રહ્યા છે પરંતુ તેઓએ સીરિયા, ઇરાક, લિબિયા અને પેલેસ્ટાઇનમાં આવું કર્યું નથી. સત્ય હંમેશા બહાર આવે છે. કાર્ટૂનમાં દર્શાવ્યું છે કે, કેવી રીતે આ નેરેટિવ ઉભુ કરાયું કે રશિયાએ યુક્રેન ઉપર હુમલો કર્યો અને યુક્રેન કેટલુ ભોળુ છે જ્યારે હકીકત એ છે કે, અમેરિકા, નાટો, બ્રિટનની તાકાત ઉપર યુક્રેન રશિયાને ઉશ્કેરતું હતું.

ટ્વિટર હેન્ડલ @D_I_W_Mindset માને છે કે યુક્રેન કોઈ દૂધનું ધોયેલું નથી. એક ટ્વીટને રીટ્વીટ કરીને તેણે લખ્યું કે, ‘મીડિયા તમને આ નહીં બતાવે. પુતિને યુક્રેન પર પશ્ચિમી પ્રભાવને સમાપ્ત કરવો જોઈએ. તેણે રિટ્વીટ કરેલી ટ્વીટમાં, તેણે એક તસવીર સાથે લખ્યું કે, ‘2014 થી યુક્રેનિયનોએ 15,000 થી વધુ નાગરિકોની હત્યા કરી છે, કેટલાકને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. આ યુદ્ધ રશિયન આક્રમણ નથી પરંતુ લોકોની મુક્તિ માટેનું અભિયાન છે. તસ્વીરમાં 3 બાળકોના હાથમાં બે પોસ્ટ છે. જેમાં એકમાં અંગ્રેજીમાં લખ્યું છે કે, ડોનબાસને યુક્રેન આર્મીથી બચાવો.

આહિયા ખાને લખ્યું, ‘જો આપણે રશિયાની વિરુદ્ધ જઈશું તો દરેક મોરચે મોટી કિંમત ચૂકવવી પડશે. રશિયાએ મુશ્કેલ સમયમાં અમારી મદદ કરી છે. ત્યારે યુરોપ, અમેરિકાએ અમારો વિરોધ કર્યો. તેથી આપણે આપણા જૂના મિત્રને ટેકો આપવો જોઈએ.

રાહુલ યાદવે વિશ્વના ઘણા દેશોમાં અમેરિકન આક્રમણનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે, ‘હું પુતિનને સમર્થન આપું છું કારણ કે હું જાણું છું કે આ બધાની પાછળ અમેરિકા છે. તેણે પોતાના ફાયદા માટે ઘણા સારા દેશોમાં અસ્થિરતા ઊભી કરી. હવે સમય આવી ગયો છે કે તેઓ અમેરિકા ફર્સ્ટ પોલિસી પર પુનર્વિચાર કરે. રાહુલે પોતાના ટ્વિટ સાથે ઓબામા, જ્યોર્જ બુશ, બિલ ક્લિન્ટનની તસવીર પણ શેર કરી છે. આ તસ્વીર ઉપર લખ્યું છે કે, આ 3 લોકોએ 23 વર્ષમાં 9 ઈસ્લામી દેશો ઉપર આક્રમણ કર્યું, 1.10 કરોડ લોકોના મોત થયા, તેમ છતા તેમને કોઈએ આતંકવાદી કહ્યા નથી.

સની રાજપૂતે એક કાર્ટૂન શેર કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે કેવી રીતે પશ્ચિમી દેશો આખી દુનિયામાં લોહિયાળ રમત રમી રહ્યા છે. તેણે લખ્યું છે કે, ‘હાથમાં ખંજર ધરાવતો માણસ કહે છે કે તેને શાંતિ સાથે ખૂબ પ્રેમ છે. આ ખરેખર અત્યાર સુધીની સૌથી મોટી મજાક છે. તે પૂછે છે કે જ્યારે પશ્ચિમી દેશો સાથે મળીને કોઈ દેશને બરબાદ કરી દે છે, તો તે સમયે દુનિયામાં કોઈ તેમની સાથે કેમ ઊભું નથી? શું તેઓ માનવ નથી? શું તેઓ આ જૂથમાં મહિલાઓ અને બાળકો નથી? આ ટ્વીટ સાથે શેર કરેલા ફોટામાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને બ્રિટીશ પીએમ બોરિસ જોનસનની સાથે માસ્ક પહેરલા કેનાડાના વડાપ્રધાન જસ્ટિન ટૂડો જોવા મળે છે. તેમજ તમામના હાથમાંથી લોહી ટપકે છે, જોનસનના હાથમાં લોહીથી ભરેલો ગ્લાસ પણ જોવા મળે છે અને બાઈડેન હાથ ઉઠાવીને રશિયા તરફ આંગળી કરતા કહી રહ્યાં છે કે, રશિયા ખરાબ છે.

અનુરાગ બંસલ લખે છે, ‘હું સંમત છું કે પુતિન તેમની સરહદની સુરક્ષા કરી રહ્યા છે. ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, સીરિયા, લિબિયા અમેરિકન આતંકવાદના ઉદાહરણો છે. તેઓએ બધાં શહેરોનો નાશ કર્યો.’

જાણીતી તેલુગુ ફિલ્મ પુષ્પાના ડાયલોગ્સ દ્વારા પણ લોકો રશિયાને સપોર્ટ કરી રહ્યા છે. એક મીમમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને કહેતા બતાવવામાં આવ્યા છે કે પુતિન નામ સાંભળીને મને ફુદીનો સમજ્યા શું, હું ફુદીનો નથી, પરમાણુ બોમ્બ છું. ખરેખર, ફિલ્મમાં નાયક પુષ્પા કહે છે કે પુષ્પા કો ફ્લાવર સમજા ક્યાં, ફ્લાવર નહીં ફાયર હૈ મે.