Site icon Revoi.in

યુક્રેન-રશિયા યુદ્ધઃ રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનને બર્બાદ કરવાની ચીમકી ઉચ્ચારી

Social Share

મોસ્કોઃ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આકરુ વલણ વ્યક્ત કર્યું છે. રશિયન અબજોપતિ અને બિનસત્તાવાર શાંતિ વાટાઘાટકાર રોમન અબ્રામોવિચ સાથેની મુલાકાત દરમિયાન, રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે જાઓ અને ઝેલેન્સકીને કહો, હું તેમને બર્બાદ કરી નાખીશ. રોમેને પુતિનને યુક્રેનના રાષ્ટ્રપતિનો હાથથી લખેલો શાંતિ પ્રસ્તાવ પત્ર આપ્યો હતો અને તેના જવાબમાં રશિયન પ્રમુખે કથિત રીતે આ ચીમકી ઉચ્ચારી હતી. આમ પુતિને રશિયાનો વિરોધ કરનારા દેશોને પણ ગર્ભીત ચિમકી આપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, હાથથી લખેલી આ નોટમાં યુક્રેનની યુદ્ધ સમાપ્ત કરવા માટેની શરતો વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. અગાઉ, રશિયન અબજોપતિ રોમન અબ્રામોવિચે યુક્રેનની વિનંતીને સ્વીકારીને રશિયા સાથેની વાતચીતમાં મધ્યસ્થી કરવાની મંજૂરી આપી હતી. બ્રિટનની ચેલ્સી ફૂટબોલ ક્લબના માલિક રોમન બંને રાષ્ટ્રાધ્યક્ષોનો સંદેશો એકબીજા સુધી પહોંચાડવા ઈસ્તંબુલ, મોસ્કો અને કિવ સુધી લાંબા થયા હતા. એક અહેવાલ અનુસાર ચેલ્સિયા ફૂટબોલ ક્લબના માલિકને થોડા અઠવાડિયા પહેલા કિવમાં એક મીટિંગ પછી કથિત રીતે ઝેર આપવામાં આવ્યું હતું, કારણ કે તેણે યુક્રેન-રશિયા યુદ્ધમાં ‘શાંતિ નિર્માતા’ તરીકે કામ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક મહિના કરતા વધારે સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સૈન્ય કિવ સહિતના શહેરોમાં મતત બોમ્બ મારો કરી રહ્યું છે. જેથી યુક્રેનના અનેક શહેરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે. બીજી તરફ લાખોની સંખ્યામાં યુક્રેનમાંથી લોકોએ હિજરત કરી છે. બીજી તરફ અમેરિકા અને બ્રિટેન સહિતના દેશોએ યુક્રેનને સમર્થન આપ્યું છે. તેમજ રશિયા સામે આકરા પ્રતિબંધ લાદ્યા છે. જો કે, યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી અમેરિકા અને યુકે સહિતના દેશોના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી.