Site icon Revoi.in

ઉમેશ પાલ કેસઃ ખરાબ કામનું ખરાબ પરિણામ, ગુલામની માતા-ભાઈનો મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર

Social Share

લખનૌઃ ઝાંસીમાં ઉત્તરપ્રદેશ પોલીસે ગઈકાલે કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદના પુત્ર અસદ અને સાગરિત ગુલામને એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં હતા. અસદ અહેમદ અને ગુલામની સામે ઉમેશપાલ હત્યા કેસમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસની ટીમ તેમને શોધતી હતી. દરમિયાન ગુલામની માતા અને ભાઈએ તેનો મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કર્યો છે. એટલું જ નહીં ખરાબ કામનું ખરાબ પરિણામ આવે છે તેમ કહીને ગુનેગારો સામેની પોલીસ કાર્યવાહી ઉપર સવાલ ઉઠાવનારાઓને પણ કરારો જવાબ આપ્યો હતો.

પોલીસ કસ્ટડીમાંથી પિતા અતિકને ભગાડવા માટે અસદ દિલ્હી-મુંબઈમાં પૂર્વ સાગરિતોને મળ્યો હતો

અતીક અહેમદના સાગરિત ગુલામના એન્કાઉન્ટર પર તેની માતાએ કહ્યું છે, કે મારો પુત્ર ખોટા રસ્તે ગયો હતો, આ તેનું આવુ જ પરિણામ આવે છે. ગુલામની માતાએ કહ્યું કે મેં તેને શીખવ્યું હતું કે ક્યારેય સ્કૂલમાંથી પેન્સિલ પણ ન લાવે, પરંતુ તે ગુનાના રસ્તે ચાલ્યો ગયો હતો. તેનું પરિણામ મળ્યું છે. એટલું જ નહીં તેમણે પુત્રનો મૃતદેહ લેવાની પણ ના પાડી દીધી હતી.

ઉમેશ પાલની હત્યામાં સામેલ શૂટર ગુલામની માતાએ કહ્યું, ‘દીકરો ગયો તે દુઃખદ છે, પરંતુ ખોટા કૃત્યનું પરિણામ ખોટું હોય છે, તેણે ખોટું કર્યું છે, તેથી અમે તેનો મૃતદેહ લઈશું નહીં. ગુલામના ભાઈ રાહિલ પણ માતાની વાત સાથે સહમતિ દર્શાવી હતી. તેમણે કહ્યું કે અમે પહેલાથી જ કહી દીધું હતું કે અમે મૃતદેહ લેવા નહીં જઈએ. અમે હજુ પણ અમારા શબ્દો પર અડગ છીએ. અમે લાશ નહીં લઈએ. રાહિલે કહ્યું કે ગુલામને પત્ની અને બે દીકરીઓ છે, પરંતુ તેણે કોઈના વિશે વિચાર્યું ન હતું. ગુલામની માતાએ કહ્યું કે આ છોકરો અમને રસ્તા પર લઈ આવ્યો. અમારું ઘર તોડવામાં આવ્યું છે. આજે આપણે રસ્તા પર છીએ અને ભાડા પર પણ ક્યાંય રહી શકતા નથી.