લખનૌઃ પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. રિમાન્ડની સુનાવણી દરમિયાન અતિક અને અશરફ કઠેરામાં ઉભા રહ્યાં હતા. દરમિયાન ગળુ સુકાતા અતિક અહેમદએ પાણી મંગાવીને પીધું હતું. બંને આરોપીઓના રિમાન્ડને લઈને કોર્ટમાં સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલ વચ્ચે લંબાણ પૂર્વકની દલીલો થઈ હતી. પોલીસે બંને આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
કુખ્યાત ગેંગસ્ટેર અતિક અહેમદને કોર્ટમાં લઈ જવાયો ત્યારે કોર્ટ સંકુલમાં ઉપસ્થિત વકીલોએ હંગમો મચાવ્યો હતો. જેથી વાતાવરણ તંગ બન્યું હતું. વકીલોએ અતિક અહેમદની સામે સુત્રોચ્ચાર કર્યાં હતા. દરમિયાન પોલીસ અને વકીલો વચ્ચે ચકમક જરી હતી. પોલીસે બંને આરોપીઓને રજુ કરીને અતિકના નોકર કેશ અહમદ અને રાકેશ લાલાના નિવેદનના આધારે રિમાન્ડની માંગણી કરી હતી. પોલીસને તપાસ દરમિયાન અતિકની ઓફિસમાંથી કોલ્ટ પિસ્ટલ મળી હતી. અતિકના પુત્ર અસદે કોલ્ટ પિસ્ટલથી જ ફાયરિંગ કર્યું હતું. પોલીસે ઉમેશપાલ હત્યા કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા કવાયત તેજ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અતિક અહેમદ સાબરમતી જેલમાં બંધ હતો ઉત્તરપ્રદેશ પોલીસે બે દિવસ પહેલા જ પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં સાબરમતી જેલમાંથી અતિકની કસ્ટડી મેળવી હતી. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેને અમદાવાદથી ઉત્તરપ્રદેશ લઈ જવાયો હતો. અતિક અહેમદને તાજેતરમાં જ ઉત્તરપ્રદેશની કોર્ટે ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા ફરમાવી હતી. જ્યારે તેનો ભાઈ અશરફ ઉત્તરપ્રદેશની જેલમાં જ સજા ભોગવી રહ્યો છે.
(Photo-Aajtak)