ઉમેશ પાલ હત્યા કેસઃ પહેલી ગોળીમારનાર વિજ્ય ઉર્ફે ઉસ્માન પોલીસ એકાઉન્ટરમાં ઠાર મરાયો
લખનૌઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં 24 ફેબ્રુઆરીએ થયેલા ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસે આજે બીજું એન્કાઉન્ટર કર્યું હતું. પોલીસે વિજય કુમાર ઉર્ફે ઉસ્માન ચૌધરીને ઠાર માર્યો હતો, જેણે ઉમેશ પાલને એન્કાઉન્ટરમાં પહેલા ગોળી મારી હતી. આ પહેલા પણ હત્યાકાંડમાં સંડોવાયેલા અરબાઝને પોલીસે એન્કાઉન્ટમાં ઠાર માર્યો હતો. અરબાદ કુખ્યાત અતિક અહેમદનો વિશ્વાસુ હોવાનું જાણવા મળે છે.
ઉમેશ પાલની હત્યાનો આરોપી વિજય ઉર્ફે ઉસ્માન સોમવારે પ્રયાગરાજ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. 24 ફેબ્રુઆરીના રોજ ઉસ્માને બહુજન સમાજ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય રાજુ પાલની હત્યાના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ પર પ્રથમ ગોળી ચલાવી હતી. એન્કાઉન્ટરમાં ઉસ્માન માર્યો ગયો હોવાની પુષ્ટિ કરતા ધુમાનગંજ પોલીસ સ્ટેશનના પ્રભારી રાજેશ કુમાર મૌર્યએ જણાવ્યું કે વિજય ઉર્ફે ઉસ્માન સવારે કૌંધિયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો.
તેમણે કહ્યું કે ઉમેશ પાલ અને અન્ય બે પોલીસકર્મીઓને ગોળી મારવાની ઘટનામાં ઉસ્માન સામેલ હતો અને ઉસ્માને જ ઉમેશ પર પહેલી ગોળી ચલાવી હતી. આ પહેલા 27 ફેબ્રુઆરીએ ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી અરબાઝનું ધુમાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નહેરુ પાર્ક જંગલમાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મોત થયું હતું. આ એન્કાઉન્ટરમાં ધુમનગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજેશ મૌર્ય ઘાયલ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીએ ઉમેશ પાલની ધુમાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેની મદદથી મોટાભાગના શૂટરોની ઓળખ થઈ ગઈ છે. આ ઘટનાના બીજા દિવસે ઉમેશ પાલના પત્ની જયા પાલે પૂર્વ સાંસદ અતીક અહેમદ, તેમના ભાઈ અશરફ, પત્ની શાઈસ્તા પરવીન, અતીકના બે પુત્રો, અતીકના સહયોગી ગુડ્ડુ મુસ્લિમ અને ગુલામ અને અન્ય નવ લોકો સામે ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી.