સંયુક્ત રાષ્ટ્ર 13 સપ્ટેમ્બરના રોજ અફઘાનિસ્તાન મામલે હાઈલેવલની બેઠક યોજશેઃ જાણો શું હશે આ બેઠકનો મુખ્ય એજેન્ડા
- 13 સપ્ટેમ્બરના રોજ યોજાશે સંયુક્ત રાષ્ટ્રની બેઠક
- અફઘાનિસ્તાન મામલે થશે ચર્ચા
દિલ્હીઃ- અફઘાનિસ્તાનની સ્થિતિથી આજે સમગ્ર વિશ્વ વાકેફ છે, ત્યારે હવે અફઘાનમાં તાલિબાનના શાસન પછી સર્જાયેલી નવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર સંઘ પણ એક્શન મોડમાં જોવા મળ્યું છે અફઘાનની સ્થિતિને લઈને સંયુક્ત રાષ્ટ્ર 13 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે.
મીડિયા રિપોર્ટસ પ્રમાણે સંયુક્ત રાષ્ટ્ર 13 સપ્ટેમ્બરે યોજાનારી બેઠકમાં અફઘાનિસ્તાનની ભયંકર જરૂરિયાતોને ઉજાગર કરવા અને દેશના લોકોને મદદ કરવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારો દ્વારા જરૂરી તાત્કાલિક નાણાકીય સહાય અને ક્રિયાઓ પર ભાર મૂકશે,આ માટે એક ઉચ્ચ સ્તરીય મંત્રી કાર્યક્રમ યોજશે.
અફઘાનિસ્તાન હાલ ભયાનક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે અને લાંબા સંઘર્ષ, ગંભીર દુષ્કાળ અને મહામારીનો સામનો કરી રહ્યું છે. આ સ્થિતિ ત્યારે સર્જાય છે કે જ્યારે દેશની લગભગ અડધી વસ્તી એટલે કે 18 મિલિયન અફઘાનિસ્તાનના લોકોને પહેલાથી જ મદદની જરૂર હતી.
આ સમગ્ર બેઠક મામલે સંયુક્ત રાષ્ટ્રએ એક નિવેદનમાં કહ્યું કે જાન્યુઆરી વર્ષ 2021 થી દેશમાં લાખો લોકોથી પણ વધુ વિસ્થાપિત થયા છે. દર ત્રણમાંથી એક અફઘાન નાગરિક કટોકટી અથવા કટોકટીના સ્તરની ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યો છે, અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના અડધાથી વધુ બાળકો ગંભીર કુપોષણનો પણ શિકાર બની રહ્યા છે.
યુનાઇટેડ નેશન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગંભીર દુષ્કાળ માનવીય કટોકટીને વધારી રહ્યો છે અને આગામી શિયાળામાં પરિસ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતાઓ છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર અફઘાનિસ્તાનના લોકો સાથે એકજૂટતા સાથે ઊભુ છે અને મહાસચિવ 13 સપ્ટેમ્બરના રોજ એક ઉચ્ચ સ્તરિય બેઠકનું આયોજન કરવા જિનીવા જશે