યુ.એન.મહાસચિવ : જીવનસાથી અથવા પરિવારનું કોઈ પણ દર 11 મિનિટે એક મહિલાની હત્યા કરે છે
ન્યૂયોર્ક: દર વર્ષે 25 નવેમ્બરે ‘મહિલાઓ વિરુદ્ધ ઘરેલુ હિંસા ઉન્મૂલન આંતરરાષ્ટ્રીય દિવસ’ ઉજવાય છે. આ દિવસ વિષે યુ.એન. મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ જણાવે છે કે વિશ્વમાં દર 11મી મિનિટે એક મહિલા કે છોકરીનું તેના જીવનસાથી અથવા પરિવારના કોઈ સભ્ય દ્વારા ખૂન કરવામાં આવે છે. મહા સચિવનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જયારે ભારતમાં શ્રદ્ધા હત્યા કેસ ચકચારી બની રહ્યો છે.
એક અહેવાલ અનુસાર ગુટેરેસે વિશ્વની સરકારોને વર્ષ 2026 સુધીમાં મહિલાધિકાર અને મહિલાઓના હિત સાથે સંકળાયેલા અને આંદોલનો ચલાવતાં સંગઠનો માટેના ભંડોળમાં 50 ટકા વધારો કરવાની અપીલ કરી હતી. તેમણે સૌને ચેતવ્યા છે કે કોવિડ-19 ની મહામારી પછીની આર્થિક અસંતુલનની સ્થિતિમાં મહિલાઓ પરના માનસિક તણાવ,શારીરિક અને મૌખિક હિંસા અને દુર્વ્યવહાર વધ્યા છે. મહિલાઓને હાલમાં પોતાની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી, જાતીય સતામણી અને સોશિયલ મીડિયા પરના તેમના ડેટાનો દુરુપયોગ તથા સાથે જ ઓનલાઇન છેતરામણી અને હિંસાનો પણ ભોગ બનવું પડી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, “ દુનિયાની અડધી આબાદી જેના થકી છે, તેવી મહિલાઓ સામે આ પ્રકારનો ભેદભાવ,હિંસા, દુર્વ્યવહાર જો અટકશે નહીં, તો ભવિષ્યમાં આની સૌએ બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. દુનિયામાં અને લોકોના જીવનના તમામ ક્ષેત્રે મહિલાઓ આજે બરાબરની ભાગીદારી નોંધાવી રહી છે, ત્યારે એ ખૂબ જરૂરી છે કે તેમને તેમની સ્વતંત્રતા સાથે જ તેમના મૂળભૂત અને આવશ્યક અધિકારો પણ મળે અને સાથે જ તેમનો પોતાનો આર્થિક વિકાસ પણ થાય, અને તેથી જ હું વિશ્વના સૌ દેશોને વર્ષ 2026 સુધીમાં મહિલાઓના આ વિકાસમાં સાથ આપવા માટેના સંગઠનો અને ચળવળો કરનાર મંડળોને પોતાના ફંડમાં પચાસ ટકાનો વધારો કરવા આહ્વાન કરું છું.”
નોંધનીય છે કે હાલમાં જ રજૂ થયેલાં યુ.એન. ના ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઓન પ્રોગ્રેસઃ જેન્ડર સ્નેપશોટ 2022’ રિપોર્ટમાં જણાવાયું છે કે, ઘરેલુ હિંસા એ એક અતિ ગંભીર મુદો છે, જે દુનિયાના લગભગ બધાં દેશોમાં છે.આ હિંસાના કારણે છેલ્લાં એક વર્ષમાં 15-49 વર્ષની મહિલાઓ સૌથી વધુ ભોગ બની રહી છે અને તેમાંની દર 11મી મહિલાની જુદાં જુદાં કારણોસર હત્યા થઇ જાય છે.
(ફોટો: ફાઈલ)