રફાલ મામલાને લઈને સંરક્ષણ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યું છે. એફિડેવેટિમાં કહેવામાં આવ્યું છે કે અખબારો અને સોશયલ મીડિયા પર ષડયંત્ર હેઠળ જે ગુપ્ત જાણકારીઓ અને દસ્તાવેજો નાખવામાં આવ્યા છે, તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે. સોશયલ મીડિયા દ્વારા આ જાણકારી આપણા દુશ્મન દેશોને પણ સહજ ઉપલબ્ધ છે. આના સંદર્ભે સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે સરકારે આવા લોકો વિરુદ્ધ શું કાર્યવાહી કરી છે? મહત્વપૂર્ણ છે કે રફાલ મામલાની સુનાવણી ગુરુવારે બપોરે ત્રણ વાગ્યે થશે.
બુધવારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં કહેવામાં આવ્યું છેકે અરજદારોએ સંરક્ષણ મંત્રાલયમાંથી સંરક્ષણ સોદા સાથે જોડાયેલી ગુપ્ત ફાઈલોની ફોટો કોપી કરાવી અથવા તેને ચોરી કરી છે. આ કૃત્ય સોદાની જોગવાઈઓ અને ગુપ્તતાના વાયદા તથા શરતોનું ઉલ્લંઘન અને અપરાધ પણ છે.
સુપ્રીમ કોર્ટે અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલને પુછયું હતું કે શું સંરક્ષણ મંત્રાલય રફાલના ચોરી થયેલા દસ્તાવેજો પર આ એફિડેવિટ આપી શકે છે કે જે દસ્તાવેજ અખબાર અને ન્યૂઝ એજન્સીએ વાપર્યા છે, તે ચોરી કરવામાં આવ્યા છે. તેના પર કે. કે. વેણુગોપાલે સંમતિ વ્ક્ત કરતા એફિડેવિટ રજૂ કરવાની વાત જણાવી હતી. બુધવારે સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું.
મહત્વપૂર્ણ છે કે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યુ હતુ કે જે ગુપ્ત દસ્તાવેજોને અખબારે પ્રકાશિત કર્યા છે, તેને લઈને કાર્યવાહી થવી જોઈએ. અટોર્ની જનરલે કહ્યુ છે કે કેટલાક દસ્તાવેજોને સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરી કરવામાં આવ્યા અને આગળ વધારવામાં આવ્યા છે. તેમણે કહ્યુ છે કે અખબારે કેટલીક ગુપ્ત જાણકારી જાહેર કરી છે.
આ આખા પ્રકરણને લઈને ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કે. કે. વેણુગોપાલને સવાલ કર્યો હતો કે જો તમને લાગે છે કે રફાલના દસ્તાવેજ ચોરી થયા છે અને અખબારોએ ચોરી કરેલા દસ્તાવેજો પર લેખ લખ્યા છે, તો સરકારે કોઈ કાર્યવાહી શા માટે કરી નથી?
સુપ્રીમ કોર્ટે 14મી ડિસેમ્બર, 2018ના રોજ રફાલ ડીલને પડકારનારી અજીઓ નામંજૂર કરવાનો આદેશ આપ્યો હતો. તેને પડકારતી પુનર્વિચારણા અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તેને લઈને થઈ રહેલી સુનાવણી દરમિયાન કે. કે. વેણુગોપાલે કહ્યુ હતુ કે યુદ્ધવિમાનોની ખરીદી સાથે જોડાયેલા દસ્તાવેજ સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરી થયા છે અને તેની તપાસ ચાલી રહી છે.