Site icon Revoi.in

ગુજરાતના તમામ શહેરોમાં બિનઅધિકૃત બાંધકામોને ઈમ્પેક્ટ ફી લઈને નિયમિત કરી શકાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં 14 મી વિધાનસભાની મુદ્દત પુરી થવા આવી છે. ત્યારે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાતમાં ભાજપ સરકારની ચૂંટણી પહેલાં છેલ્લી કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારે  રાજ્યના ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં સરકારે ગેરકાયદે બાંધકામ ઇમ્પેક્ટ ફી લઇને કાયદેસર કરવા માટેની જાહેરાત કરી છે. હવેથી બિન અધિકૃત બિલ્ડિંગો માટે ઈમ્પેક્ટ ફી લેવાશે. માર્જીન અને પાર્કિગ 50 ટકા ફી સાથે કાયદેસર થશે. બાંધકામ અધિકૃત કરાવવા એડિશ્નલ ચાર્જ ચૂકવવો પડશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘ્વારા ગુજરાત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અંગેનો વટહુકમ-2022નો રાજ્યમાં અમલ કરવાનો મહત્વપૂર્ણ લોકહિતલક્ષી નિર્ણય કર્યો છે. ગુજરાતના રાજ્યપાલ દ્વારા આ ગુજરાત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા અંગેના વટહુકમ-2022ને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણયની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત જેવા વિકાસના રોલમોડેલ રાજ્યમાં ઊદ્યોગો, વેપાર-ધંધાની વ્યાપક્તાને કારણે મોટી સંખ્યામાં લોકો રોજગારી-વ્યવસાય માટે શહેરોમાં આવીને વસવાટ કરતા થયા છે. આના પરિણામે વાણિજ્યિક અને અન્ય હેતુની મિલકતોની માગ દિન-પ્રતિદિન વધતી જાય છે. રાજ્યના જરૂરીયાતમંદ ગરીબ, મધ્યમવર્ગીય પરિવારોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે તેમની બિનઅધિકૃત મિલ્કતોને કાયદેસર કરવાનો આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. એક રૂમ બે રૂમ રસોડાના નાના મકાનમાં પરિવાર સાથે રહેતા મધ્યમવર્ગીય નાગરિકો તેમના બિનઅધિકૃત બાંધકામ અંગે સતત ચિંતા કરતા હોય છે તે બાબતે રાજ્ય સરકારે સંવેદના સાથે આ નિર્ણય લીધો છે. વેગવંતા શહેરીકરણને કારણે શહેરો અને નગરોની હદ અને વિસ્તારમાં મોટા પ્રમાણમાં વધારો થવાથી, શહેરોમાં પરવાનગી વગર મકાનો બનતા જાય છે. અથવા વિકાસ નિયંત્રણ નિયમોની વિરૂધ્ધ મકાનો બને છે,

પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી એમ પણ કહ્યું કે, રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, સત્તામંડળો,  નગરપાલિકા વિસ્તારોમાં વિપુલ  પ્રમાણમાં  મકાનો/બાંધકામો બી.યુ. પરવાનગી વગરના  છે. બાંધકામોની સંખ્યાનો વ્યાપ તથા સેમ્પલ સર્વેની વિગતો ધ્યાને લેતા, બી.યુ. પરવાનગી ન મળેલ હોય તે તમામ બાંધકામોને બી.યુ. પરવાનગી સમકક્ષ માન્યતા મળી રહે તે માટે કોઈ ચોક્કસ પગલાં લેવા/નીતિ ઘડવી આવશ્યક હતી.

તેમણે ઉમેર્યું કે, સંબંધિત સત્તામંડળ દ્વારા બિનઅધિકૃત બાંધકામોને દૂર કરવા, ઉતારી પાડવા અથવા અન્ય ફેરફાર કરવા ગુજરાત પ્રોવિન્સીઅલ મ્યુનિસિપલ કોર્પોરેશન એકટ, 1949 અથવા ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ, 1976 મુજબ  નોટીસો આપવામાં આવેલ છે. પરંતુ, આ નોટીસોના અનુસંધાને સંબંધિતો દ્વારા જરૂરી પગલા લેવાનુ કે પૂર્તતા કરવાનુ સંપૂર્ણતઃ શક્ય બનેલ નથી.આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે, રાજ્ય સરકારે અગાઉ સને 2001 અને 2011માં અનઅધિકૃત બાંધકામને નિયમીત કરવા માટેના કાયદા અમલમાં લાવવામાં આવેલ, જેના આધારે કેટલાક બાંધકામો નિયમિત થયેલા  છે. તેમ છતાં, ઘણા બિનઅધિકૃત બાંધકામો નિયમિત થઇ શકેલ નથી તેમજ વપરાશની પરવાનગી મેળવી શકેલ નથી, તે પણ ધ્યાનમાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર બાબતે સંપૂર્ણ માનવીય અભિગમ અપનાવીને રાજ્યના લાખો પરિવારોને આવાસ-સુરક્ષા આપવા આ ગુજરાત બિનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતના વટહુકમ-2022નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.