અમદાવાદઃ રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. બપોરના સમયે તો આકાશમાંથી અંગારા વરસતા હોય એવા તાપમાનથી લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. રાજ્યમાં 13 શહેરોનું તાપમાન 46 ડિગ્રીને વટાવી ગયું હતું. જ્યારે અમદાવાદમાં 47 ડિગ્રી તાપમાન નોંધાતા શહેરીજનો અસહ્ય ગરમીમાં સેકાયા હતા. હજી પણ ગુરૂવારે પારો 48 ડીગ્રીએ પહોંચશે તો 100 વર્ષનો રેકોર્ડ તૂટશે. બીજી તરફ, રાજ્યનાં 13 શહેરમાં તાપમાન આજે રેકોર્ડ 46ને પાર થઈ ગયું છે. હજી પણ ચાર દિવસ સુધી આવી ગરમી બાદ આંશિક રાહત મળે એવી હવામાન વિભાગની આગાહી છે.
અમદાવાદ શહેરમાં સવારથી જ અંગ દઝાડતા તાપમાનનો લોકો સામનો કરી રહ્યા છે. અને બપોરે 2 વાગતા સુધીમાં કાળઝાળ ગરમીથી લોકો ભાહીમામ પોકારી જાય છે. બુધવારે અમદાવાદમાં 47 ડીગ્રી સેલ્સિયસની સર્વોચ્ચ સપાટી દેખાડી દીધી હતી. અને મોડી સાંજ સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. હજી પણ ગુરૂવારે આ રીતે જ ભીષણ ગરમી ચાલુ રહે તેવી શક્યતા છે.
રાજ્યમાં ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, ઈડર, મહેસાણા, હિંમતનગર સહિત શહેરોમાં ગરમીને પારો 46 ડિગ્રીને વટાવી ગયો હતો, અને સમગ્ર ઉત્તર ગુજરાત જાણે અગનભઠ્ઠી બન્યું હોય એવો અહેસાસ લોકોએ કર્યો હતો. જ્યારે નડિયાદ, આણંદ, ડભોઈ સહિત મધ્ય ગુજરાત તેમજ સુરેન્દ્રનગર, અમરેલી સહિતના શહેરોમાં પણ તાપમાન 46 ડિગ્રી નોંધાતા લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા.સૌરાષ્ટ્રમાં અસહ્ય ગરમીએ હાહાકાર સર્જો છે.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં રવિવારથી ઉત્તર-પશ્ચિમના પવનો શરૂ થયો છે, જેની અસરથી રવિવારથી ગરમીમાં અચાનક વધારો થયો છે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે રણ-સૂકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે, જેથી રવિવારથી ગુજરાત-અમદાવાદ પર ગરમ પવનોનો મારો ચાલુ થયો છે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હીટવેવથી ગરમીનો પારો વધ્યો છે.