Site icon Revoi.in

અસહ્ય મોંઘવારી, નવા સત્રના પ્રારંભ પહેલા યુનિફોર્મ, સ્કુલબેગ, સ્ટેશનરીના ભાવમાં તોતિંગ વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મોંઘવારીએ માઝા મુકી છે. તમામ ચિજ-વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ યુનિફોર્મ, સ્કુલબેગ, પુસ્તકો અને સ્ટેશનરીના ભાવમાં વધારો થતા વાલીઓના વધુ ભાર સહન કરવો પડશે. ઘણીબધી ખાનગી સ્કુલો વિદ્યાર્થીઓને યુનિફોર્મ, શુઝ, સ્ટેશનરી સહિતની ચિજ-વસ્તુઓ નિયત સ્ટોરમાથી ખરીદ કરવાનું કહી રહી છે. ત્યારે આવી શાળાઓ સામે પગલાં લેવાની પણ વાલીઓમાં માગ ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી 13 જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. ત્યારે વાલીઓ પણ બાળકોના નવા સત્રની તૈયારીઓ કરી રહ્યા છે. બાળકોના સ્કૂલ યુનિફોર્મ, શૂઝ, બેગ તથા સ્ટેશનરીનો ખર્ચ સ્કૂલ ફી કરતા અલગથી કરવો પડે છે, ત્યારે સ્કૂલ ફી સિવાયના આ અન્ય ખર્ચમાં 25 થી 35 ટકાનો વધારો ભોગવવો પડી રહ્યો છે. 2 વર્ષથી મોટા ભાગના બાળકો સ્કૂલે ગયા નથી. જેથી વાલીઓને માત્ર સ્કૂલની ફીનો જ ખર્ચ થયો હતો. પરંતુ હવે 2 વર્ષ બાદ બાળકો સ્કૂલે જશે, જેથી અન્ય ખર્ચ પણ વાલીઓએ કરવા પડશે. કોરોના બાદ જે પ્રકારે મોંઘવારી વધી છે, તેની અસર હવે બાળકોના શિક્ષણ પર પણ પડી છે તમામ વસ્તુઓમાં રો મટિરિયલ તથા અન્ય મોંઘવારીને કારણે ખર્ચમાં વધારો થયો છે. 2 વર્ષ દરમિયાન સ્ટેશનરી, સ્કૂલ બેગ અને યુનિફોર્મના વેપારમાં મંદીનો માહોલ હતો. પરંતુ આ વર્ષે હવે સ્કૂલો શરૂ થવાની છે ત્યારે વેપારીઓએ તૈયારી શરૂ કરી દીધી છે.

શાળાઓના સ્કુલ યુનિફોર્મનું વેચાણ કરતાં એક વેપારીના જણાવ્યા મુજબ  કોરોનાને કારણે શાળાઓ બંધ હતી તેથી છેલ્લા 2 વર્ષથી તો કોઈ વાલી યુનિફોર્મ લેવા આવ્યા નથી, ક્યાંક ફરજિયાત હોય તેવા વાલી યુનિફોર્મ લેતા હતા. હવે આ વર્ષે યુનિફોર્મ તૈયાર કર્યા છે. અગાઉ કરતા અત્યારે ભાવમાં 30થી 35 ટકાનો વધારો થયો છે. અત્યારે કોઈ વાલી યુનિફોર્મ લેવા આવે તો અગાઉની જેમ ખરીદી કરતા નથી. અગાઉ 3-4 યુનિફોર્મ લેતા હતા, તેની જગ્યાએ હવે 2 યુનિફોર્મ લઈને ચલાવે છે. શાળાઓના બાળકો માટેના શુઝ વેચતા એક દુકાનદારના કહેવા મુજબ દર વર્ષે સ્કૂલ શૂઝના ભાવમાં 2 થી 5 ટકાનો વધારો થાય જ છે. હવે 2 વર્ષ બાદ રો-મટીરિયલ અને GSTમાં વધારો થતાં સ્કૂલ શૂઝના ભાવમાં 30 થી 35 ટકાનો વધારો થયો છે. મોંઘવારી વધતા લોજીસ્ટિક ખર્ચ,પેટ્રોલિયમ ખર્ચ વધ્યા હોવાને કારણે સ્કૂલ શૂઝના ભાવમાં વધારો થયો છે. અત્યારે ખાસ લેવાલી નથી. જ્યારે પુસ્તકોના વેપારીએ જણાવ્યું હતું કે, કોરોના બાદ કાગળની અછત ઉભી થઈ છે. જેના કારણે પુસ્તકોની કિંમતમાં 25 ટકાનો ધરખમ વધારો થયો છે. હાલ જુના પુસ્તકો જ વધુ વેચાઈ રહ્યા છે અને બજારમાં પણ સન્નાટો છે. અમે વેપારીઓ ગ્રાહકોની જ રાહ જોઈ રહ્યા છીએ.સ્ટેશનરીમાં પેપરના અને પ્લાસ્ટિકના કારણે ભાવમાં 25 ટકાનો વધારો થયો છે જ્યારે વેચાણ પણ 50 ટકા ઘટ્યું છે. આવી સ્થિતિ સ્કુલબેગના વેપારીઓની છે, સ્કૂલ બેગના વેપારીએ જણાવ્યું હતું કે, 2 વર્ષ ઓફલાઇન ભણતરના કારણે બેગનું વેચાણ થયું નથી ત્યારે હવે ફરીથી સ્કૂલો શરૂ થવાની છે તેને લઈને તૈયારી કરી છે. પરંતુ અમારે બધું મટીરિયલ ઇમ્પોર્ટેડ હોય છે, જેના કારણે બહારથી આવતા મટીરિયલના ભાવ વધ્યા છે. કોરોના બાદ લેબર છે નહીં, જેના કારણે પ્રોડક્શન થતું નથી અને હવે જેટલી જરૂર છે તેની સામે માલ નથી જેના કારણે ભાવમાં 25 ટકાનો વધારો છે.