1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છની પોસ્ટ ઓફિસોમાં 10 હજારથી વધુ ખાતા અનક્લેમ, મુદત પૂર્ણ થયે રૂપિયા લેવા કોઈ આવતું નથી
કચ્છની પોસ્ટ ઓફિસોમાં 10 હજારથી વધુ ખાતા અનક્લેમ, મુદત પૂર્ણ થયે રૂપિયા લેવા કોઈ આવતું નથી

કચ્છની પોસ્ટ ઓફિસોમાં 10 હજારથી વધુ ખાતા અનક્લેમ, મુદત પૂર્ણ થયે રૂપિયા લેવા કોઈ આવતું નથી

0
Social Share

ભુજ :  કચ્છની પોસ્ટ ઓફીસોમાં પાકતી મુદતના 10 વર્ષ સુધી કોઈએ ઉપાડ ન કર્યા હોય એવા 10872 ખાતાં છે. આમ અંદાજે એકાદ-બે કરોડની રકમ પર કોઈએ દાવો કર્યો નથી. પોસ્ટ વિભાગમાં આવાં ખાતાં સાઈલેન્ટ એકાઉન્ટ કહેવાય છે અને થોડા સમય પૂર્વે અમલી બનેલા નિયમ મુજબ આવા ખાતાં સિનિયર સિટિઝન વેલ્ફેર ફંડના ખાતાંમાં ફેરવી દેવાયા હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતની ડાક કચેરીઓમાં આવી અનકલેઈમ્ડ ખાતાંની કુલ રકમનો આંક થોડા મહિના પહેલા રૂા. 540 કરોડ પર પહોંચી ગયો હતો. કચ્છના પોસ્ટ વિભાગમાં દોઢ વર્ષ પૂર્વે અનકલેઈમ્ડ ખાતાંની સંખ્યા 10865 હતી. જે હાલમાં સાત ખાતાંના વધારા સાથે 10872 થઈ છે. ભુજના પોસ્ટ ઓફિસ કચેરીના સૂત્રોના કહેવા મુજબ  દસ વર્ષ સુધી ઉપાડ ન થાય તેવા ખાતાં અનકલેઈમ્ડ કહેવાય છે અને તેમાં સૌથી વધુ એન.એસ.સી.ના 8558 એકાઉન્ટ છે. એ ઉપરાંત ટાઈમ ડિપોઝીટ (ટી.ડી)ના 1175, એમ.અઈ.એસ.ના 422, રિકરીંગ ડિપોઝીટના 517, કિસાન વિકાસ પત્રના 103 અને પી.પી.એફ.ના 97 ખાતાં છે. ગયા વર્ષથી આવાં સાઈલેન્ટ ખાતાંની સૂચિ દરેક પોસ્ટ ઓફિસમાં લોકો જોઈ શકે એ રીતે લગાડવાની પહેલ કરવામાં આવી છે અને તેની સારી અસર પણ જોવા મળે છે. ઘણા ખાતેદારો આ સુચિ જોઈને વડી કચેરીએ આવીને ખરાઈ સહિતની સત્તાવાર પ્રક્રિયા કરીને પોતાની રકમ ઉપાડી ગયા છે અને ખાતેદારો દ્વારા આવી રકમ ઉપાડ મામલે કચ્છ સમગ્ર રાજયમાં બીજે રહ્યું છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  કચ્છની પોસ્ટ ઓફીસોમાં આવા અનકલેઈમ્ડ ખાતાઓની સૂચિ સાર્વજનિક કરવાની અસર થઈ હતી. ગયા વર્ષ દરમિયાન આવાં કુલ 49 ખાતાં બંધ કરાયાં હતા અને રૂા. 8.98 લાખની રકમનું ચુકવણું કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે અનકલેઈમ્ડ ખાતાંની સૂચિ જાહેર કરાયાના એક વર્ષમાં માત્ર વડી કચેરી ભુજમાં ખરાઈ બાદ રકમ મળી શકે છે. તેના બે પુરાવા અને બે સાક્ષી રજુ કરવાની પ્રક્રિયા બાદ જ એ રકમ ખાતેદારને મળી શકે છે. આવા અનકલેમ્ઈડ ખાતામાં મોટી સંખ્યા એન.એસ.સી. ખાતાઓની છે.  ઘણા વર્ષ પહેલા કેરોસીનના ધંધાર્થીઓએ તેના લાયસન્સ માટે સરકારી ગેરન્ટીના ભાગરૂપે 100-100 રૂપિયાની એન.એસ.સી. લેવાનો નિયમ હતો. એ એન.એસ.સી. મામલતદાર પાસે રજૂ કર્યા બાદ જ લાયસન્સ મળે. એ ઉપરાંત પાંત્રીસેક વર્ષ પહેલા વાહન લેવાનું હોય ત્યારે પણ રૂા. 500નાં એન.એસ.સી.માં સિકયોરીટી ડિપોઝીટ નોંધાવવાનો નિયમ હતો. પછી સમય ગયે લોકો રૂા. 100 અને 500ના એન.એસ.સી. ભૂલી ગયા હોય અથવા ઘણા નાની રકમ હોવાથી પરત લેવાની પ્રક્રિયા ન કરવા માંગતા હોય એવા ખાતા પણ ઘણા છે.

કચ્છમાં ધરતીકંપે પણ આવા અનકલેઈમ્ડ ખાતાઓની સંખ્યામાં મોટી ભૂમિકા ભજવી હતી. ગોઝારા ઘટનાએ સેંકડો લોકોને ભરખી લીધા હતા અને તે પૈકી ઘણા એવા હતા કે  જેમના પોસ્ટ ખાતાઓની વિગતોથી તેમના વારસદારો અજાણ હતા. જોકે કચ્છના આ અનકલેઈમ્ડ ખાતાઓમાં કુલ કેટલી રકમ છે તેની સ્પષ્ટ વિગત મળતી નથી પણ જાણકાર સુત્રો કહે છે કે આ રકમ એક કરોડથી વધુ હશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code