Site icon Revoi.in

અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં કાકા-ભત્રીજાનું મોત

Social Share

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પુરફાટ ઝડપે ઓવર ટ્રેકને લીધે તેમજ રાતના સમયે હાઈવે પર પાર્ક કરેલા વાહનો સાથે અન્ય વાહનો અથડાવવાના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ સાયલા સર્કલ પાસેના ઓવરબ્રિજ પર સર્જાયો હતો. બ્રિજ પર રોડ સાઈડમાં ઊભેલી ટ્રક પાછળ પાછળથી આવેલી ટ્રક ધડાકાભેર અથડાતાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા. આ અકસ્માતને લીધે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. આ અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા સર્કલ પાસેના બ્રિજ પર અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. ઉભેલા ટ્રક પાછળ અન્ય ટ્રક ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કાકા-ભત્રીજાનું મોત નીપજ્યું હતું. ટ્રક વિજાપુરથી રાજકોટ જતા સાયલા પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના બનાવની જાણ થતાં સાયલા પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને બન્ને મૃતકોને સાયલા સામુહિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલ ખાતે પીએમ માટે લવાયા હતા. આ અકસ્માતની ઘટનામાં અમરેલીના રહેવાસી સુરેશ મેવાડા અને વિજય આજરા બંને યુવાનોના ઘટનાસ્થળે જ અકસ્માતમાં કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. જ્યારે અકસ્માતના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે સાયલા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ સાયલા પીએસઆઇ ચલાવી રહ્યાં છે.