દિલ્હી : દેશમાં ફરી એકવાર કોરોનાનો ભય વધવા લાગ્યો છે. દેશના ઘણા રાજ્યોમાંથી કોરોનાના ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. ગુરુવારે રાજધાની દિલ્હીમાં કોરોનાના 1527 નવા કેસ નોંધાયા હતા જ્યારે મહારાષ્ટ્રમાં કોરોનાના 1086 કેસ નોંધાયા હતા.
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ને કારણે બે લોકોના મોત થયા છે જ્યારે 909 લોકો સાજા થયા છે. દિલ્હીમાં કોરોનાનો ચેપ દર લગભગ 28 ટકા છે. રાજધાનીમાં લગભગ ચાર હજાર સક્રિય દર્દીઓ છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના કુલ 5499 ટેસ્ટ કરવામાં આવ્યા અને 909 દર્દીઓ સાજા થયા.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1086 કેસ નોંધાયા છે. અહીં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાના 5700 એક્ટિવ કેસ છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોનાના 274 નવા કેસ નોંધાયા છે. મુંબઈમાં કોરોનાના 1635 એક્ટિવ કેસ છે.
ઉત્તરાખંડમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. રાજધાની દેહરાદૂનમાં કોરોનાના 106 નવા કેસ નોંધાયા છે. ઉત્તરાખંડમાં કોરોનાના 255 સક્રિય કેસ છે જ્યારે રાજ્યમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
નિષ્ણાતોએ શું કહ્યું?
ભારતમાં જોવા મળતા કોરોનાના કેસોમાં 38 ટકા કેસ નવા પ્રકાર XBB.1.16ના જોવા મળી રહ્યા છે. જીનોમ સિક્વન્સિંગ પર દેખરેખ રાખનાર INSACOG અનુસાર, દેશમાં દરરોજના 38.2% કોરોના કેસ XBB.1.16 વેરિયન્ટના છે. INSACOG એ ગુરુવારે જાહેર કરેલા તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે માર્ચના ત્રીજા સપ્તાહ સુધી લેવામાં આવેલા નમૂનાઓમાં Omicronનું XBB વેરિયન્ટ સૌથી વધુ જોવા મળ્યું હતું.ખાસ કરીને ભારતના પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તરીય ભાગોમાં. બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે નવા વેરિયન્ટ XBB.1.16 ભારતના વિવિધ ભાગોમાં જોવામાં આવ્યું છે.