Site icon Revoi.in

બેકાબુ બેરોજગારીઃ 3400 તલાટીની ભરતી માટે 17 લાખ યુવાનોએ કરી અરજી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં યુવાનોને રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમ છતા રાજ્યમાં લાખો યુવાનો રોજગારીની શોધમાં છે. દરમિયાન સરકાર દ્વારા તલાટીની 3400 પોસ્ટ માટે ભરતીની પ્રક્રિયા શરૂ કરી છે. જે માટે અત્યાર સુધીમાં 17 લાખ નોકરી વાચ્છુકોએ અરજી કરી છે. ગુજરાતમાં સરકારી નોકરીની ભરતી પડે ત્યારે લાખોની સંખ્યામાં યુવાનો અરજી કરે છે. સમગ્ર રાજ્યમાં હાલ 3 લાખથી વધારે શિક્ષિત બેરોજગાર યુવાનો નોકરી શોધી રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર 3,400 જગ્યા માટે 17 લાખ અરજી કરાઈ છે. જે અત્યાર સુધીની તમામ ભરતીઓમાં વધુ છે. રાજ્યમાં કોઈ ભરતીમાં સૌથી વધુ અરજીઓ થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. એટલું જ નહીં તલાટીની ભરતીમાં ફોર્મ ભરવામાં ભૂલ વાળી 1 લાખ અરજી તો માત્ર રદ કરાઈ છે.

સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં હાલ 3 લાખથી વધુ શિક્ષિત બેરોજગારો છે. જ્યારે 17 હજાર 816 અર્ધ શિક્ષિત બેરોજગારો રાજ્યમાં ફરી રહ્યા છે. દર વર્ષે લાખો યુવાનો અભ્યાસ પૂર્ણ કરીને રોજગારીની શોધમાં લાગી જાય છે. સરકારી નોકરી કાયમી હોવાથી અને વિવિધ સરકારી લાભ મળતા હોવાથી મોટાભાગના નોકરી વાચ્છુકો સરકારી નોકરી ઉપર પસંદગી ઉતારે છે. ઉચ્ચ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ પણ વર્ગ-3ની ભરતી માટે અરજી કરતા હોય છે.