નવી દિલ્હીઃ નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (એનસીજીજી)ના મહાનિદેશક ભરત લાલે જણાવ્યું હતું કે જલ જીવન મિશન અંતર્ગત “હર ઘર નલ સે જલ” વર્ષ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે, કેમ કે ગ્રામીણ પાણી પુરવઠાનાં માળખાનાં વ્યવસ્થાપન અને સંચાલન માટે પાંચ લાખથી વધુ પાણી સમિતિઓ/ગ્રામ જળ અને સ્વચ્છતા સમિતિઓ (વીડબલ્યુએસસી)ને એકત્રિત કરીને અનોખા બોટમ-અપ અને વિકેન્દ્રિત અભિગમથી તેનો અમલ થઈ રહ્યો છે.
ભરત લાલે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઑગસ્ટ, 2019ના રોજ જલ જીવન મિશનની જાહેરાત કરી હતી, જેનો ઉદ્દેશ દરેક ગ્રામીણ પરિવારને વર્ષ 2024 સુધીમાં નળનાં પાણીનાં જોડાણો પ્રદાન કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, ઑગસ્ટ, 2019માં આશરે 19.35 કરોડ ગ્રામીણ કુટુંબોમાંથી માત્ર 3.23 કરોડ (16.72 ટકા) કુટુંબોને જ નળમાંથી પાણી મળતું હતું, પરંતુ અત્યારે 11 કરોડથી વધારે (56.84 ટકા) ગ્રામીણ કુટુંબોને તેમનાં ઘરોમાં નળથી પાણીનો પુરવઠો ઉપલબ્ધ છે.
ભરત લાલ નવી દિલ્હીમાં મનોહર પર્રિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ (એમપી – આઇડીએસએ) દ્વારા આયોજિત Think20@G20 પરની 14મી દક્ષિણ એશિયા પરિષદમાં “ઉચ્ચ આર્થિક વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે જળ સુરક્ષા” વિષય પર એક પરિષદને સંબોધન કરી રહ્યા હતા.
ભરત લાલે જણાવ્યું હતું કે, પીએમ મોદીએ એક પણ પરિવાર આ ઉમદા મિશનમાંથી બાકાત ન રહે એવું આહ્વાન કર્યા પછી, આદિવાસી વિસ્તાર હોય કે અંતરિયાળ જંગલ વિસ્તાર હોય, કોઈ પણ જાતના ભેદભાવ વિના નળનાં પાણીનાં જોડાણમાં 100 ટકા સંતૃપ્તિ હાંસલ કરવા માટે આ યોજનાનો અમલ ખૂબ જ લોકતાંત્રિક રીતે થઈ રહ્યો છે.
એનસીજીજીના ડીજીએ જણાવ્યું હતું કે, 15મા નાણાં પંચની ભલામણ મુજબ આગામી છ વર્ષમાં એટલે કે 2019-20થી 2025-26 સુધીમાં જળ સંસાધનોનું વ્યવસ્થાપન કરવા માટે પંચાયતોને રૂ. 1.72 કરોડની જોગવાઈ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે 13 નદીઓને પુનર્જીવિત કરવા અને તેને સ્વચ્છ, જળ-સમૃદ્ધ અને ઉપયોગી બનાવવા માટે સામેલ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, જળ સુરક્ષા દેશના સામાજિક-આર્થિક વિકાસ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે.
ભરત લાલે કહ્યું હતું કે, દેશના દરેક ભાગને પર્યાપ્ત માત્રામાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે નદીઓનાં આંતર-તટપ્રદેશનાં હસ્તાંતરણ કે એકબીજા સાથે જોડાણની વિભાવનાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને આ અભિગમને સમગ્ર દેશમાં સંકલિત જળ વ્યવસ્થાપન માટે પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, જળને દરેકનું કામ બનાવવા માટે પ્રધાનમંત્રીનાં આહવાનને અનુરૂપ અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગની જરૂર છે, પછી ભલે તે જળ શુદ્ધિકરણ માટે હોય કે પછી ઉપયોગિતા આધારિત વિકાસ માટે હોય.
ભરત લાલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી વર્ષ 2001માં ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારે આ રાજ્ય પાણીની તંગી ધરાવતું રાજ્ય હતું અને કચ્છ વિસ્તાર અને રાજ્યના અન્ય અછતયુક્ત વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં પીવાનું પાણી પહોંચાડવા માટે દરરોજ 10,000થી વધારે રોડ ટેન્કરો અને બે પાણીની ટ્રેનો દોડાવવામાં આવતી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2002ના સુધારાઓ પછી સૌરાષ્ટ્રમાં પાણીની તંગીનું સંકટ તો દૂર થયું જ છે, પણ સાથે સાથે અન્ય પ્રદેશોની સાથે તેનું ઝડપી ઔદ્યોગિકરણ પણ સુનિશ્ચિત થયું હતું, જળ સુરક્ષાનું પ્રથમ પગલું યોગ્ય રીતે હાથ ધરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2001થી 2014 સુધી તેમનાં “જળ વિઝન”નો ઑગસ્ટ, 2019થી પીએમ તરીકે તેમના બીજા કાર્યકાળ દરમિયાન જલ જીવન મિશનના નવા અવતાર તરીકે અમલ કરી રહ્યા છે.
(Photo: File)