નવી દિલ્હીઃ જલ જીવન મિશન હેઠળ અઢી વર્ષથી ઓછા સમયમાં અને કોવિડ-19 રોગચાળા અને લોકડાઉનની મુશ્કેલીઓ છતાં 5.77 કરોડથી વધુ ગ્રામીણ પરિવારોને નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે. પરિણામે દેશના નવ કરોડ ગ્રામીણ પરિવારોને નળમાંથી શુધ્ધ પાણી પુરુ પાડવામાં આવ્યું છે.
15 ઓગસ્ટ, 2019ના રોજ મિશનની જાહેરાત કરવામાં આવી ત્યારે ભારતમાં 19.27 કરોડ પરિવારોમાંથી માત્ર 3.23 કરોડ (17 ટકા) પાસે જ પાણીના જોડાણો હતા. વડાપ્રધાનના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ના વિઝન હેઠળ, 98 જિલ્લા, 1,129 બ્લોક, 66,067 ગ્રામ પંચાયતો અને 1,36,135 ગામો થોડા જ સમયગાળામાં ‘હર ઘર જલ’ના દાયરામાં આવ્યા છે. ગોવા, હરિયાણા, તેલંગાણા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, પુડુચેરી, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં, દરેક ગ્રામીણ ઘરોમાં નળથી પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવે છે. પંજાબ (99 ટકા), હિમાચલ પ્રદેશ (92.4%), ગુજરાત (92 ટકા) અને બિહાર (90 ટકા) જેવા અન્ય કેટલાક રાજ્યો પણ 2022માં ‘હર ઘર જલ’ના મુખ સુધી પહોંચી ગયા છે. પાંચ વર્ષના સમયગાળામાં દરેક ગ્રામીણ ઘરોમાં નળથી પાણી પહોંચાડવાના આ ભાગીરથી કાર્યને પૂર્ણ કરવા માટે રૂ. 3.60 લાખ કરોડની રકમ ફાળવવામાં આવી છે. કેન્દ્રીય બજેટ 2022-23માં 3.8 કરોડ ઘરોને નળનું પાણી પૂરું પાડવા માટે ‘હર ઘર જલ’ માટે 60,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
અગાઉના પાણી પુરવઠા કાર્યક્રમોથી વિપરીત, જલ જીવન મિશન માત્ર પાણી પુરવઠાના માળખાના નિર્માણ પર જ નહીં, પણ પાણી સેવા વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જલ જીવન મિશનનું સૂત્ર છે ‘કોઈને પાછળ ન રહેવા દો’ અને આ રીતે, સામાજિક-આર્થિક પૃષ્ઠભૂમિથી ઉપર ઉઠીને, તે દરેક ઘરમાં નળના પાણીની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરી રહ્યું છે.