અમદાવાદઃ ”પાંચ વર્ષ નારી ગૌરવના” ના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રીએ મહત્વાકાંક્ષી ”મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના” લાગુ કરીને મહિલાઓના આર્થિક સશક્તિકરણ દ્વારા વિકાસ પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વધારીને ગુજરાતને દેશનું રોલમોડલ બનવા મક્કમતાથી પ્રયાસો હાથ ધર્યા છે. આ યોજના અંતર્ગત રાજ્યની ગરીબ, મધ્યમવર્ગીય, સામાન્ય મહિલાઓના સપનાઓને સાકાર કરવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો નક્કર અમલ થઇ રહ્યો છે. આ માટે 10 લાખ મહિલાઓને ઝીરો ટકા વ્યાજે રાજ્ય સરકાર દ્વારા રૂ. 1000 કરોડની લોન સહાય જયારે ગ્રામ્ય વિસ્તારોમાં 50 હજાર અને શહેરી વિસ્તારોની 50 હજાર મળીને કુલ 1 લાખ મહિલા સ્વસહાય જૂથની રચના કરવામાં આવી છે.
સમગ્ર રાજયમાં જ્યારે મહિલાઓની સંખ્યા 50 ટકા જેટલી હોય ત્યારે તેમના માટેનું બજેટ પણ મહત્વનું બની જતું હોય છે. ચાલુ વર્ષે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે રૂ. 3511 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગુજરાતની નિર્ણાયક સરકારે મહિલાઓને સત્તામાં ભાગીદાર બનાવવા ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં 50 ટકા મહિલા અનામતની જોગવાઇ કરી છે. આ સાથે સરકારી નોકરીઓમાં પણ મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઇ કરીછે.
જેન્ડર ઇક્વાલિટીની દિશામાં ગુજરાતે આગેકદમ બઢાવી ”વ્હાલી દીકરી યોજના” લાગુ કરી છે. આ યોજના દીકરીના જન્મ વેળા માતા-પિતાને આર્થિક સહાય આપીને જેન્ડર રેશીયો જાળવવાની દિશામાંનું ગુજરાતનું મહત્ત્વનું પગલું છે. જે અંતર્ગત રૂપિયા બે લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારને પ્રથમ બે દીકરી માટે આ યોજનાનો લાભ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ૫૯ હજાર જેટલા પરિવારોને રૂ. 22 કરોડથી વધુ સહાય આ યોજના હેઠળ મળી છે.ધોરણ-૧માં પ્રવેશ લેતી કન્યાને રૂ. ૪,૦૦૦, ધોરણ ૯માં પ્રવેશ લેતી કન્યાને રૂ. 600૦ અને ઉચ્ચ શિક્ષણ માટે અથવા 18 વર્ષની ઉંમરે લગ્ન વખતે રૂ. 1 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જેન્ડર બજેટ સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવે છે. વર્ષ 2021-22 ના “જેન્ડર બજેટ સ્ટેટમેન્ટ” માં કુલ રૂ. 87111.10 કરોડની મહિલાલક્ષી જોગવાઈ કરવામાં આવેલ છે. જેન્ડર બજેટ 2021-22 માં 867 જેટલી યોજનાઓ આવરી લેવાઈ છે. આ પૈકી, 189 જેટલી યોજનાઓ સંપૂર્ણપણે મહિલાલક્ષી છે, જેમાં મહિલાઓ અને કન્યાઓની શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૌશલ્યવર્ધન અને આર્થિક સશક્તિકરણ જેવી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રૂ. 5112.88 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.