PM મોદીના શાસનમાં સમગ્ર દેશમાં એક-બે નહીં 26 રેલવે સ્ટેશનના નામ બદલાયાં
દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક શહેરોના નામ બદલવામાં આવ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં સમગ્ર દેશમાં એક-બે નહીં 26 રેલવે સ્ટેશનના નામ બદલાયાં છે. તાજેતરમાં ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને રાણી કમલાપતિ રાખવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળમાં ઉત્તર પ્રદેશમાં જ 5 રેલ્વે સ્ટેશનોને નવા નામ આપવામાં આવ્યા હતા. યુપીના ફૈઝાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું છે. હવે તેનું નામ બદલીને અયોધ્યા કેન્ટ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાત મુગલસરાય જંકશનનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય જંકશન કરવામાં આવ્યું છે. અલ્હાબાદ જંક્શનનું નામ બદલીને પ્રયાગરાજ જંક્શન રાખવામાં આવ્યું છે. જ્યારે મંડુઆડીહ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને બનારસ રેલ્વે સ્ટેશન કરવામાં આવ્યું છે.
તેમજ દાંડુપુર રેલ્વે સ્ટેશનનું નામ બદલીને મા વારાહી દેવી ધામ રેલ્વે સ્ટેશન કરવામાં આવ્યું છે. કર્ણાટકમાં બેંગલુરુ સિટી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને ક્રાંતિવીર સંગોલી રાયન્ના રેલ્વે સ્ટેશન કરવામાં આવ્યું. તેમજ ગુલબર્ગા રેલ્વે સ્ટેશનનું નામ બદલીને કલાબુર્ગી રેલ્વે સ્ટેશન કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના હબીબગંજ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન કરવામાં આવ્યું. મહારાષ્ટ્રના ઓશિવારા રેલ્વે સ્ટેશનનું નામ બદલીને રામ મંદિર રેલ્વે સ્ટેશન કરવામાં આવ્યું છે. આ સાથે એલ્ફિન્સ્ટન રોડ રેલવે સ્ટેશનનું નામ પણ બદલીને પ્રભા દેવી રેલવે સ્ટેશન કરી દેવામાં આવ્યું છે.
ભારતીય રેલ્વે વિભાગ રેલવે સ્ટેશનના નામકરણમાં સામેલ નથી. રેલ્વે સ્ટેશનનું નામ બદલવું એ રાજ્યને આધીન છે, રાજ્ય સરકારો કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને નોડલ મંત્રાલયને વિનંતી મોકલે છે, જે રેલ્વે મંત્રાલયની નોંધ લીધા પછી તેની મંજૂરી આપે છે.